ચારે બાજુ નવા વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ગંભીર ચર્ચા પણ ચાલી રહી છે. 2025માં આખું વર્ષ એ વાતની ચર્ચા રહી કે 2026માં દુનિયાનો અંત આવી જશે. સોશિયલ મીડિયા પર આ અંગે અનેક મીમ્સ અને રીલ્સ વાયરલ થયા છે. લોકો પૂછી રહ્યા છે કે શું 2026માં ખરેખર કયામતનો દિવસ આવવાનો છે?
ધ પ્રોવિન્સ જર્નલ અને ટાઈમ મેગેઝીન અનુસાર, ભૌતિક વિજ્ઞાની હેન્ઝ વૉન ફોસ્ટરે 1960માં સાયન્સ મેગેઝીનમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે 13 નવેમ્બર, 2026 ના રોજ દુનિયાનો અંત આવી જશે. ફોસ્ટરના મતે, વસ્તી વધારાની ગતિ એટલી તીવ્ર હશે કે માનવજાત ભૂખથી નહીં, પણ ભીડ અને ગૂંગળામણને કારણે નાશ પામશે.
વસ્તી વિસ્ફોટ અને વિનાશનું કારણ
વૉન ફોસ્ટરે દાવો કર્યો હતો કે જો માનવજાત પરમાણુ યુદ્ધથી બચી જશે, તો પણ ‘અસીમિત’ વસ્તી વૃદ્ધિ તેને વિનાશ તરફ દોરી જશે. તેમણે ગણતરી કરી હતી કે જ્યારે વસ્તી અનંત સુધી પહોંચશે, ત્યારે ટેકનોલોજી પણ ખોરાક પૂરો પાડવામાં ટૂંકી પડશે. તેમણે સૂચવ્યું હતું કે આ પ્રલયથી બચવા માટે ‘પીપલ સ્ટેટ’ સ્થાપીને વસ્તી નિયંત્રણ કરવું જોઈએ અને બેથી વધુ બાળકો ધરાવતા પરિવારો પર ભારે ટેક્સ લગાવવો જોઈએ.
ડૂમ્સડે ક્લોક (Doomsday Clock) અને 2026નો ભય
2026માં દુનિયા ખતમ થવાની ચર્ચા પાછળનું બીજું મોટું કારણ પ્રલયની ઘડિયાળ એટલે કે ડૂમ્સડે ક્લોક છે. 2025ની શરૂઆતમાં આ ઘડિયાળના કાંટા વિનાશની વધુ નજીક પહોંચી ગયા હતા. હાલમાં આ ઘડિયાળ મધ્યરાત્રિ (વિનાશ) થી માત્ર 89 સેકન્ડ દૂર છે. 1947માં પરમાણુ ખતરા માપવા શરૂ થયેલી આ ઘડિયાળમાં હવે ક્લાઈમેટ ચેન્જ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા જોખમો પણ ઉમેરાયા છે.
માનવતા પર તોળાતું જોખમ
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ દ્વારા આ ઘડિયાળ રિસેટ કરવામાં આવે છે. બોર્ડના અધ્યક્ષ હેન હોલ્ઝના જણાવ્યા અનુસાર, આ ઘડિયાળ એ સૂચવે છે કે આપણે માનવતાના અંતની કેટલા નજીક છીએ. 2024 અને 2025માં કાંટા એક-એક સેકન્ડ આગળ વધતા 2026માં દુનિયાના અંતની અફવાઓને વધુ વેગ મળ્યો છે. જોકે, આ ઘડિયાળ માત્ર એક પ્રતીકાત્મક સૂચક છે જે વિશ્વ સામેના જોખમો પ્રત્યે ચેતવણી આપે છે.