બનાસકાંઠામાં વેપારીની ગુમ પત્નીના કટકા મળ્યા, એક મહિલાના જ હાથ ખૂને રંગાયા હોવાનું ખુલ્યું

Spread the love

 

પાલનપુરમાં વેપારીની પત્નીની હત્યાના કેસએ ચકચાર મચાવી દીધી છે. ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલી વેપારીની પત્નીની ત્રણ દિવસ બાદ કરપીણ હત્યા કરી દીધેલી હાલતમાં અવાવરું જગ્યામાંથી મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. જો કે પોલીસ વેપારીની ગુમ પત્નીને શોધવા તપાસ કરી રહી હતી પરંતુ ગુમ પત્ની તો ન મળી પરંતુ પોલીસને હાથે ગુમ પત્નીનો કોથળામાં ભરેલો મૃતદેહ હાથે લાગ્યો.

જે જોઈ એક સમયે તો પોલીસ પણ ચોકી ઉઠી. પરંતુ કહેવાય છે “કાનુન કે હાથ લંબે હોતે હૈ” પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યામાં સંડોવાયેલી એક મહિલા સહિત ત્રણ શખ્સોને દબોચી લીધા. ત્યારે કોણ છે વેપારીની પત્નીની હત્યા કરનારા 4 લોકો? કેમ તેમને એક મહિલાની આવી નિર્મમ હત્યા કરી દીધી? આખરે પોલીસે કેવી રીતે ફોડ્યો આખો ભાંડો? આવો જોઈએ..

પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારની ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વેપારી વસંત આકેડીવાલાના પત્ની શાંતિબેન 23મી તારીખે રાત્રે ઘરેથી દૂધ લેવા બહાર નીકળ્યા હતા. જો કે તે બાદ પરત ઘરે ન ફરતા ઘરના લોકો ચિંતિત થઈ ગયા હતા અને પરિવારના લોકોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ શાંતિબેનનો કોઈ પતો ન લાગ્યો. છેવટે તેમના પુત્રએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી માતા ગુમ થઈ ગયા હોવાની જાણ કરતા જ પોલીસે જાણવાજોગ અરજી લઈ સમગ્ર મામલે શોધખોળ શરૂ કરી હતી.

સીસીટીવી અને લોકેશન ખંગોળ્યા તો પોલીસને આ વેપારીની પત્ની શાંતિબેન હનુમાન ટેકરી વિસ્તારમાં સોફા સહિત ફર્નિચરનો સામાનની દુકાન ધરાવતી રેખા રાઠોડની દુકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. પરંતુ દુકાનમાંથી પરત બહાર નીકળતા ક્યાંય જોવા ન મળ્યા જેને લઇ પોલીસને આ દુકાનની સંચાલક રેખા રાઠોડને ઉપર શંકા ગઈ અને પોલીસે રેખા રાઠોડને પોલીસ મથકે લાવી તેની કડક પૂછપરછ કરી તો તો આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. આ હોમ ફર્નિચરનો વ્યવસાય કરતી રેખા રાઠોડને વસંત આકેડીવાલાના પરિવાર સાથે સારા સંબંધ હતા અને વસંત આકેડીવાલાએ આ રેખા રાઠોડને ધર્મની બહેન બનાવી હતી. જોકે આ રેખા રાઠોડને તબેલાના વ્યવસાય માટે પૈસાની જરૂર હોય વેપારી વસંતભાઈએ 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જોકે હવે વેપારી વસંતભાઈની પત્ની શાંતિબેન ધીમે ધીમે આ પૈસા પરત આપવાનું કહેતા રેખાના મનમાં પાપ જાગ્યું અને તેને પૈસા પરત ન આપવા પડે તે માટે તેના પતિ અને અન્ય બે શખ્સો સાથે મળી પોતાની મદદ કરનાર વેપારીના પત્ની શાંતિબેનની હત્યાનું જ કાવતરું ઘડી દીધું.

રેખા રાઠોડે પોતાના પતિ અને અન્ય બે શખ્સોને સાથે રાખી 23 તારીખે શાંતિબેનને પૈસા આપવાનું વાયદો કરી પોતાના ધંધાના સ્થળે બોલાવ્યા હતા. જ્યાં પ્રસાદમાં નશીલો પદાર્થ ભેળવી બેહોશ કરી તેમને ક્લચના વાયરથી ગળે ટૂંપો આપી દીધો અને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે તે બાદ પણ આ હત્યારી રેખા અટકી નહીં. તે બાદ આ મૃતદેહનો નિકાલ કરવા માટે મૃતદેહને દેલવાડા ગામ નજીક લઈ ગયા. પરંતુ ત્યાં લોકોની અવરજવર હોવાને કારણે રેખા દેલવાડા ગામ ઉતરી ગઈ અને તે બાદ પોતાના ભાડૂતી બે માણસો સાથે મૃતદેહને પાલનપુર એરોમા સર્કલ વિસ્તારમાં બંધ પડેલા એક ટ્રેક્ટરના શોરૂમના બેઝમેન્ટ નજીક નાળામાં કટકા કરી પેટ્રોલથી સળગાવી ફેંકી દેવડાવ્યો. જોકે આ હત્યારી રેખાના મોઢેથી સાંભળી પોલીસ તાબડતોડ બંધ પડેલા ટ્રેક્ટરના શોરૂમ નજીક પહોંચી હતી. પોલીસને મૃતદેહના કટકા મળી આવ્યા હતા. જે કટકા પોલીસે એક કાપડની પોટલામાં એકત્ર કરી બહાર નીકળ્યા હતા. તે બાદ હવે પીએમ અર્થે ખસેડ્યા છે. જોકે પોલીસે આ હત્યારી રેખાની સાથે તેને મદદ કરનાર અન્ય 2 લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે. ત્યારે આ કેસમાં હજુ કોઈ સુરાગ ખુલે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *