ગુજરાતના રાજકારણમાં ક્યારેક એવી તસવીરો અને ઘટનાઓ સામે આવે છે જે વિરોધ પક્ષો વચ્ચેની સીમાઓને ધૂંધળી કરી નાખે છે. હાલમાં પાટણ બસપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે કંઈક આવું જ જોવા મળ્યું. બન્યું એવું કે, ભાજપના દિગ્ગજ નેતાએ કોંગ્રેસના ધારાસભ્યના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.
માત્ર હાજરી જ નહીં, પણ હર્ષ સંઘવીએ જે રીતે કિરીટ પટેલના વ્યક્તિત્વ અને કાર્યપદ્ધતિના વખાણ કર્યા, તે જોઈને ત્યાં હાજર ભાજપના કાર્યકરો પણ અચંબો પામી ગયા હતા. કાર્યકરોમાં એવી ચર્ચા જાગી હતી કે, “શું કિરીટભાઈ કમલમ જઈને કેસરીયો ખેસ તો નથી પહેરી આવ્યા ને?”
સોશિયલ મીડિયા પર પ્રશંસાની પોસ્ટ
સામાન્ય રીતે વિપક્ષી ધારાસભ્યો સરકારના કાર્યક્રમોથી અંતર રાખતા હોય છે, પરંતુ કિરીટ પટેલે આ કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે પાટણને બસપોર્ટ મળવાની ઘટનાને શહેર માટે ‘ગૌરવવંતો દિવસ’ ગણાવ્યો હતો. આ પહેલા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જાહેર મંચ પરથી કિરીટ પટેલ પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરી ચૂક્યા છે.
“મારા આદર્શ વાજપેયીજી”: કિરીટ પટેલ
ભાજપના નેતાઓ દ્વારા થઈ રહેલી પ્રશંસા અંગે કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં ભાજપના 7 થી 8 નેતાઓએ મારા કામની સરાહના કરી છે. અમે વિધાનસભામાં છેલ્લા 8 વર્ષથી સાથે કામ કરીએ છીએ. જો કોઈ મારા વખાણ કરે તો તેમાં ખોટું શું છે? અમારી છબી સાફ છે.” વધુમાં તેમણે એક સૂચક નિવેદન આપતા કહ્યું કે, તેમના આદર્શ નેતા અટલ બિહારી વાજપેયીજી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા
આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો જનતાના કામ કરે છે અને એટલે જ તેઓ લોકપ્રિય છે. પાટણની જનતાના આશીર્વાદ કિરીટ પટેલ સાથે છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ રાજકારણ કરવામાંથી બહાર આવતી નથી.