નવી દિલ્હી, તા.31 સરકાર અને ખાનગી ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટથી કામ પર કર્મચારીઓને લેવાની સતત વધી ગયેલી પ્રથામાં સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જો કોઇ કર્મચારી લાંબા સમય સુધી એક જ સ્થળે કામ કરતો હોય તો તેને કાયમી માનવામાં આવશે.
ગુજરાત સહિતના રાજ્યોમાં હાલ હંગામી કર્મચારીઓ કે જે લાંબા સમયથી સરકારી સહિતની ફરજોમાં કામગીરી બજાવે છે અને ફીક્સ પગારથી કામ કરે છે તે સંદર્ભમાં આ ચુકાદો મહત્વનો બની જશે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, લાંબી સેવા એ વાતનું પ્રમાણપત્ર છે કે જે-તે પદ પર કાયમી નિયુક્તિ જરુરી છે. ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને ન્યાયમૂર્તિ મનમોહનની ખંડપીઠે અલ્લાહબાદ હાઇકોર્ટના એ આદેશને રદ કર્યો હતો.
જેમાં આ પ્રકારે નોકરી કરતા કર્મચારીઓને છુટા કરાયા બાદ ફરી નોકરી પર નહીં લેવાના સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કાનપુર મહાપાલિકાના કર્મચારીઓએ તે સંદર્ભમાં સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી.
તેઓ 1993થી 2006 સુધી સતત એક પદ પર કામ કરતા રહ્યા હતા અને સુપ્રિમ કોર્ટે તેને મહત્વ આપીને જણાવ્યું હતું કે જો કોઇ વ્યક્તિ 12 થી 13 વર્ષ સતત કામ કરતો હોય તો તેને હંગામી કર્મચારી કહેવો ખોટું ગણાશે અને તેના પદમાં કાયમીને બદલે ફક્ત હંગામીથી ચલાવું એ કર્મચારીને અન્યાય ગણાશે.
જે પદ પર સરકાર અથવા સંસ્થાને કર્મચારીની જરુર હોય ત્યાં આ પ્રકારે કાયમ માટે હંગામી ધોરણે કર્મચારી રાખવા એ અન્યાય ગણાશે. મહાપાલિકા દ્વારા જણાવાયું હતું કે આ પદ હંગામી ધોરણે જ ભરવામાં આવે છે અને તેમાં વારંવાર કર્મચારીની ભરતી કરવામાં આવે છે પણ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે કોઇ પદ પર લાંબો સમય સુધી જો કોઇ કામગીરી લેવામાં આવે તો તે કાયમી જ ગણાશે.
