ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

Spread the love

 

ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ EVM થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે.

આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

6 એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે

11 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

13 એપ્રિલ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે

15 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ

26 એપ્રિલ: સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે

27 એપ્રિલ: જો કોઈ કારણસર જરૂર પડે તો પુનઃ મતદાન (રી-પોલિંગ) થશે

28 એપ્રિલ: તમામ બેઠકો માટે મતગણતરી અને પરિણામ

ક્યાં કેટલી બેઠકો પર જામશે ચૂંટણી જંગ

આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ 9992 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.

મહાનગરપાલિકા (મનપા): જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 15 મનપાની કુલ 1044 બેઠકો પર ચૂંટણી યોજાશે.

નગરપાલિકા: 7 નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ 84 નગરપાલિકાની 2624 બેઠકો માટે મતદાન થશે.

જિલ્લા પંચાયત: 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં 24 જિલ્લા પંચાયતોની હદમાં (સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે 9 માં કોઈ ફેરફાર થયો નથી.

તાલુકા પંચાયત: 260 તાલુકા પંચાયતની 5234 બેઠકો પર ચૂંટણી યોજાશે. 109 તાલુકા પંચાયતમાં માત્ર રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ 53 તાલુકા પંચાયતોના સીમાંકન બદલવામાં આવ્યા છે.

મતદારોના આંકડાકીય સમીકરણો

આ ચૂંટણી 17 ફેબ્રુઆરીની ડ્રાફ્ટ યાદી અને SIR ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના ડેટા પ્રમાણે:

રાજ્યમાં નોંધાયેલા કુલ 4 કરોડ 40 લાખ મતદારોમાંથી 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો મતદાન કરવા માટે સત્તાવાર રીતે લાયક છે.

કુલ મતદારોમાં 2 કરોડ 16 લાખ પુરુષો અને 2 કરોડ 2 લાખ મહિલા મતદારો છે.

જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો, મનપા વિસ્તારોમાં 1.10 કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં 33.66 લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં 2.75 કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *