પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે દાવો કર્યો હોય કે ઈરાનની સૈન્ય શક્તિ ખતમ થઈ ગઈ છે, પરંતુ અમેરિકાના જ તાજેતરના ગુપ્તચર (Intelligence) રિપોર્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, ઈરાન પર 12,300 થી વધુ હવાઈ હુમલા કરવા છતાં તેની 50 ટકાથી વધુ મિસાઈલો અને ઘાતક કામિકાઝે ડ્રોન હજુ પણ સુરક્ષિત છે.
Iranએ હવે પોતાની રણનીતિ બદલી
ઈરાને હવે પોતાની રણનીતિ બદલી છે અને અમેરિકા-ઈઝરાયેલના આર્થિક તથા ઔદ્યોગિક સ્થળો પર હુમલા તેજ કર્યા છે. આ નવી રણનીતિના ભાગરૂપે અબુ ધાબીમાં અમેરિકન સ્ટીલ ઉદ્યોગ પર હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે બહેરીનમાં અમેરિકન એલ્યુમિનિયમ ઉદ્યોગને નિશાન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈઝરાયેલમાં હથિયાર બનાવતી જાણીતી કંપની ‘રફાયેલ’ની ફેક્ટરી પર પણ ઈરાને મિસાઈલ છોડી છે. આ સમગ્ર મામલે ઈરાનનું સ્પષ્ટ કહેવું છે કે તેના ઔદ્યોગિક એકમો પર પહેલા હુમલા થયા હતા, જેનો તે હવે માત્ર વળતો જવાબ આપી રહ્યું છે.
અમેરિકી રિપોર્ટમાં શું છે મોટો ખુલાસો?
સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, અમેરિકી ગુપ્તચર અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ઈરાનના અનેક મિસાઈલ ડેપો સુધી અમેરિકી બોમ્બ પહોંચી શક્યા નથી. ભલે કેટલાક ભંડાર જમીનમાં દટાઈ ગયા હોય, પણ તે હજુ પણ કાર્યરત હોઈ શકે છે. આ ઉપરાંત, ઈરાન પાસે હજુ પણ હજારો ડ્રોન અને એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલોનો જથ્થો સુરક્ષિત છે, જે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો માટે મોટો ખતરો છે. જોકે, નેતૃત્વને થયેલા નુકસાનની વાત કરીએ તો, અમેરિકી હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અલી લારીજાની જેવા ટોચના નેતાઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે, તેમ છતાં ઈરાનની મિસાઈલ તાકાત હજુ અકબંધ છે.
શું ટ્રમ્પ ‘યુદ્ધ અપરાધ’ કરી રહ્યા છે?
ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સમજૂતી નહીં કરે તો તેના તમામ પાવર ગ્રીડ અને તેલના કુવાઓ ફૂંકી મારવામાં આવશે. 9 કરોડની વસ્તી પર તોળાઈ રહેલા આ જોખમ અંગે નિષ્ણાતો આ ધમકીને ‘યુદ્ધ અપરાધ’ ગણાવી રહ્યા છે, કારણ કે જીનીવા કન્વેન્શન મુજબ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવો સ્પષ્ટ ગુનો છે. બર્બરતાનો આરોપ લગાવતા એવું માનવામાં આવી રહ્યું છે કે 9 કરોડની વસ્તી ધરાવતા દેશને અંધકારમાં ધકેલી દેવાની ટ્રમ્પની આ જીદ તેમની હતાશા દર્શાવે છે, કારણ કે અમેરિકાને આ યુદ્ધમાં જલ્દી જીત મળતી દેખાતી નથી.