ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે

Spread the love

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે. આ ઉપરાંત પંજાબ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારો પર નીચલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ બનેલું છે. આટલું જ નહીં, 7 એપ્રિલથી વધુ એક નવી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે.

આ સિસ્ટમ્સની અસર હેઠળ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અહીં 30 થી 50 કિમી (જે વધીને 60 કિમી સુધી જઈ શકે છે) પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ જોવા મળશે. 7 થી 10 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થશે. આ પહાડી વિસ્તારોમાં 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ કરા અને ભારે વરસાદ ખાબકવાની પણ શક્યતા છે. ખાસ કરીને 4 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. બીજી તરફ પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ ગાજવીજ અને વીજળી પડવા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અહીં પણ 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને કરા પડવાની શક્યતા છે. જોકે, 4 એપ્રિલે ઓડિશાના કેટલાક ભાગોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.

મધ્ય ભારત: આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. પશ્ચિમ ભારત: મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ભારત: 4 થી 8 એપ્રિલ દરમિયાન કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે. તેમાં પણ 4 થી 6 એપ્રિલ સુધી તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની વિશેષ સંભાવના છે.

દરિયામાં કરંટ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને 4 થી 9 એપ્રિલ દરમિયાન અરબી સમુદ્રના વિસ્તારોમાં, ખાસ કરીને ઓમાનના અખાત અને આપણા કચ્છના અખાતમાં દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *