Mehsana Food Department Raid: ખાંડના સ્વસ્થ વિકલ્પ તરીકે આપણે સૌ દેશી ગોળનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ, સ્વાસ્થ્યવર્ધક ગણાતા આ જ દેશી ગોળના નામે હવે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો મહેસાણામાં થયો છે. ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન જાણીતી બ્રાન્ડ ‘રસ મલાઈ’ અને ‘પોપટ છાપ’ દેશી ગોળના નમૂના લેબોરેટરી ટેસ્ટમાં નાપાસ (ફેલ) જાહેર થયા છે.
ગોળને આકર્ષક અને ચમકદાર બનાવવા માટે તેમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખૂલતાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
Mehsana : ક્યાંથી ઝડપાયો ભેળસેળવાળો ગોળ?
બજારમાં દેશી અને સફેદ ગોળ (Jaggery) માં કેમિકલ કલર વપરાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મહેસાણાજિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી હતી. આ ચેકિંગ દરમિયાન બે મોટા ડિસ્ટ્રીબ્યુટર્સની પેઢી પરથી સેમ્પલ લેવાયા હતા, જે તમામ ફેલ થયા છે:
હરિક્રિષ્ણા માર્કેટિંગ (દેદિયાસણ GIDC): અહીંથી લીધેલા 6 નમૂનામાંથી 4 નમૂનામાં સિન્થેટિક કલર મળી આવ્યો. જેમાં રસમલાઈ ગોલ્ડ પ્રીમિયમ દેશી જેગરી, ગોલ્ડ જેગરી, સફેદ લુઝ ગોળ અને ગોલ્ડ કોલ્હાપુરી જેગરી ના નમૂના ફેલ થયા છે.
પટેલ સતીશકુમાર મોહનલાલ (રામકૃષ્ણ માર્કેટ, માલ ગોડાઉન): અહીંથી લેવાયેલા 2 નમૂનામાં પણ ભેળસેળ પકડાઈ. જેમાં પોપટ છાપ દેશી જેગરી અને સ્વાદ દેશી જેગરી (950 ગ્રામ પેક) નાપાસ જાહેર કરાયા છે.
આ બંને પેઢીઓ સામે હવે કોર્ટ કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કેમ ઉમેરવામાં આવે છે કેમિકલ વાળો કલર?
જિલ્લા ફૂડ અધિકારીના જણાવ્યા અનુસાર, કાયદા મુજબ ગોળમાં કોઈપણ પ્રકારનો ફૂડ કલર ઉમેરવો એ સદંતર ગેરકાયદેસર છે. છતાં, દેશી ગોળને વધુ ડાર્ક (બ્રાઉન) દેખાડવા અને સફેદ ગોળને વધુ ચકચકાટવાળો બનાવી ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ આ પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ કરે છે.
સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક?
ગોળમાં વપરાતો આ સિન્થેટિક કલર ધીમા ઝેર સમાન છે.
આ કેમિકલના કારણે એલર્જી અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
બાળકોમાં ‘હાયપર એક્ટિવિટી’ (Hyper-activity) ની સમસ્યા ઉદ્ભવી શકે છે.
લાંબા ગાળે આ કલર સીધી રીતે લિવર અને કિડની ને નુકસાન પહોંચાડે છે અને જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે.
બજારમાંથી ગોળ ખરીદતા પહેલા જાતે જ તેની શુદ્ધતા ચકાસો
રંગની પરખ: અસલી ગોળનો રંગ ઘાટો બ્રાઉન હોય છે અને તેમાં ચમક ઓછી હોય છે. વધુ પડતો આછો પીળો કે ચળકતો ગોળ કેમિકલવાળો હોઈ શકે છે.
પાણીનો જાદુ: એક ગ્લાસ પાણીમાં ગોળનો ટુકડો નાખો. જો તે અસલી હશે તો ઓગળી જશે, પણ જો સફેદ કણો તળિયે બેસી જાય તો સમજી લેવું કે તેમાં ભેળસેળ છે.
સ્વાદનો ટેસ્ટ: અસલી ગોળ માત્ર મીઠો જ લાગે. જો ગોળ ખાતી વખતે સહેજ કડવાશ કે તીખાશ લાગે, તો તે નકલી હોઈ શકે.
તોડવાથી ઓળખ: શુદ્ધ ગોળ સરળતાથી તૂટે છે, જ્યારે કેમિકલવાળો ગોળ તોડવા જતાં જ ભૂક્કો થઈને વિખેરાઈ જાય છે.
સુગંધ: અસલી ગોળમાંથી શેરડી કે કુદરતી મીઠાશની ખુશ્બુ આવે છે, જ્યારે ભેળસેળિયા ગોળમાંથી તીવ્ર કે વિચિત્ર ગંધ આવે છે.
