ઈરાન ભારતના જહાજ પાસેથી પણ વસૂલશે તોતિંગ 20 લાખ ડોલર ટેક્સ? સરકારનો જવાબ જાણો

Spread the love
અમેરિકા અને ઈરાન વચ્ચે જે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલતું હતું તેમાં સીઝફાયરથી વળાંક આવ્યો અને એક મેજર ડેવલપમેન્ટ એ આવ્યું કે ઈરાન હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળતા જહાજો પર ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. એવા રિપોર્ટ્સ છે કે ઈરાનની સંસદમાં મંગળવારે જ આ ટોલ અંગે ઔપચારિક મંજૂરી અપાઈ ગઈ છે. એવું કહેવાય છે કે આ ફી 20 લાખ ડોલર સુધી હોઈ શકે છે.

હવે સવાલ એ છે કે ઈરાન અગાઉ અનેકવાર કહી ચૂક્યું છે કે ભારત તેનો મિત્ર દેશ છે તો શું ઈરાન પીઠમાં ખંજર ભોકીને ભારત પાસેથી ટોલ વસૂલ કરશે? આ સવાલ પર હવે ભારત સરકાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. જાણો શું કહ્યું?

 

શું કહ્યું ભારત સરકારે?

ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સરકારે સ્પષ્ટતા કરી કે ટોલ ટેક્સ અંગે ઈરાન સાથે કોઈ વાતચીત થઈ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટોલ સંબંધિત એક સવાલનો જવાબ આપતા કહ્યું કે આ અંગે અનેકવાર સવાર પૂછાતા રહે છે પરંતુ આ વિશે ઈરાન અને ભારત વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. હાલમાં જ એક ભારતીય અધિકારીએ કહ્યું હતું કે ટોલ વિશે કોઈ જાણકારી નથી.

 

શું કહ્યું હતું ઈરાની અધિકારીએ?

એક ઈરાની અધિકારીએ બુધવારે કહ્યું હતું કે શુક્રવારથી હોર્મુઝ સ્ટ્રેટ મર્યાદિત રીતે શરૂ થઈ શકે છે. આ પ્રક્રિયા ઈરાનના કાબૂમાં રહેશે. અત્રે જણાવવાનું કે ઓઈલ અને ગેસના ટેન્કરોની અવરજવર માટે હોર્મુઝની ખાડીનો રસ્તો ખુબ મહત્વનો છે. જે છેલ્લા 6 અઠવાડિયાથી લગભગ બંધ હતો. ગણ્યાગાંઠ્યા જહાજોને જવાની મંજૂરી મળતી હતી. જેમાં ભારતના જહાજ પણ સામેલ હતા.

 

ઈરાન કેટલો ટોલ વસૂલશે?

ઈરાને મંગળવારે સંકેત આપ્યા કે સ્થાયી શાંતિ સમજૂતિ હેઠળ તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોને પસાર થવા માટે ફીની માંગણી કરી શકે છે. એવી અટકળો હતી કે આ ફી 20 લાખ ડોલર પ્રતિ ટ્રાન્ઝિટ હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2025માં મિડલ ઈસ્ટથી ઈરાન સુધી ક્રૂડ ઓઈલના જહાજને લઈ જવામાં લગભગ આટલો જ ખર્ચો આવતો હતો.

 

બે દેશો વસૂલશે ટોલ ટેક્સ

એપીના એક રિપોર્ટ મુજબ આ જળમાર્ગમાંથી વસૂલવામાં આવતો ટેક્સ ઈરાન અને ઓમાન લઈ જશે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ બાદ આ એક જે નવું ડેવલપમેન્ટ થયું છે તે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. કારણ કે હોર્મુઝની ખાડી એ કુદરતી જળમાર્ગ છે. જ્યારે એવો નિયમ છે કે કુદરતી જળમાર્ગો પરથી ટોલ વસૂલી શકાય નહીં. કૃત્રિમ જળમાર્ગ હોય તો ટોલ વસૂલ કરી શકાય. ઈરાનને આ એક નવો આવકનો સ્ત્રોત ઊભો થશે. જો ઈરાન આમ કરશે તો ભવિષ્યમાં બીજા દેશો પણ આ રીતે ટોલ વસૂલી કરી શકે. એક અધિકારીના જણાવ્યાં મુજબ આ યોજના હેઠળ ઈરાન અને ઓમાન બંને દેશો અહીંથી પસાર થતા જહાજો પરથી ટોલ વસૂલી શકશે. અધિકારીએ કહ્યું કે ઈરાન આ રાશિનો ઉપયોગ યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈમાં કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *