સેલ્ફી અને સોશિયલ મીડિયા માટે રિલ્સ બનાવવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આવી જ એક હૃદયદ્રાવક (Girls drown taking selfie) ઘટના આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બની છે, જ્યાં મુલાગુમ્મી ગામના વોટરફોલમાં સેલ્ફી લેવા જતાં ત્રણ કિશોરીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, શાળાઓમાં ઉનાળુ વેકેશન હોવાથી એક જ ગામની ચાર સહેલીઓ ફરવા માટે નજીકના વોટરફોલ પર ગઈ હતી. આ ચારેય છોકરીઓ વોટરફોલ પાસે ઉભા રહીને ફોટા અને સેલ્ફી વીડિયો લઈ રહી હતી. આ દરમિયાન એક યુવતી રિલ્સ બનાવી રહી હતી અને બાકીની ત્રણ સહેલીઓ પાણીમાં ઉતરી હતી. અચાનક સંતુલન બગડતા એક છોકરી ઊંડા પાણીમાં પડી ગઈ હતી, તેને બચાવવા જતાં અન્ય બે સહેલીઓ પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પાણીમાં ઉતરેલી ત્રણેય છોકરીઓને તરતા આવડતું નહોતું. સેલ્ફી લેતી વખતે પગ લપસતા એક પછી એક ત્રણેય કિશોરીઓ આંખના પલકારે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આસપાસના લોકોએ તેમને બચાવવા માટે દોડાદોડી કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેઓ સફળ થયા નહોતા.
ચોથી છોકરીનો આબાદ બચાવ
આ દુર્ઘટનામાં ચોથી છોકરી, જેનું નામ એસ. અંજલિ છે, તે ઘાયલ થઈ છે અને હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. મૃતક કિશોરીઓની ઓળખ તૃષા (17), પવિત્રા (16) અને રત્નકુમારી (16) તરીકે થઈ છે.
પોલીસે ત્રણેય યુવતીઓના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેકેશનના આનંદમાં ગયેલી સહેલીઓના મોતના સમાચારથી આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
