સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કોંગ્રેસ દ્વારા ભાજપ પર ધાક-ધમકી આપીને ફોર્મ પરત ખેંચાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે દાવો કર્યો કે રાજ્યમાં 300થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે, જે ભાજપાને મળતા વિશાળ જનસમર્થનનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
તેમણે કોંગ્રેસના આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે પક્ષ દ્વારા સહાનુભૂતિ મેળવવા માટે બનાવટી વાતો ફેલાવવામાં આવી રહી છે.
‘આવા આરોપો તેની પરંપરાગત રાજકીય શૈલીનો ભાગ’
મીડિયા સાથેની વાતચીતમાં ડૉ.પટેલે જણાવ્યું કે ભાજપાને કોઈપણ ઉમેદવારને દબાણ કે મનાવવાની જરૂર નથી, કારણ કે જનતા સ્વયંભૂ રીતે ભાજપા સાથે છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આવા આરોપો તેની પરંપરાગત રાજકીય શૈલીનો ભાગ છે.
વડોદરા શહેરના વોર્ડ નં. 11નું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા સ્વીકાર્યું હતું કે તેઓ ચૂંટણી લડવા માંગતા નહોતા અને પાર્ટી તરફથી દબાણહતું. ડૉ. પટેલે દાવો કર્યો કે આવા અનેક કિસ્સા રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે.
‘જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે’
આ દરમિયાન ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ચૂંટણી પ્રચાર સામગ્રીનું નિદર્શન યોજાયું હતું. ડૉ. પટેલે જણાવ્યું કે વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના આધારે ભાજપા ચૂંટણી પ્રચારમાં આગળ વધી રહી છે અને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ડોર ટુ ડોર સંપર્ક, ડિજિટલ પ્રચાર અને વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રચાર
તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપાનું પ્રચાર અભિયાન ત્રણ તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં હાલ બીજો તબક્કો ચાલુ છે. ડોર ટુ ડોર સંપર્ક, ડિજિટલ પ્રચાર અને વિવિધ કાર્યક્રમો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
પ્રચાર માટે વિવિધ સાહિત્ય, બેનરો અને કમળના નિશાન સાથેની સામગ્રી તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ રાજ્યભરમાં કરવામાં આવશે. અંતમાં ડૉ. અનિલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના મુદ્દે જનતા ફરી એકવાર ભાજપાને ભવ્ય જીત અપાવશે.