આ કારણે ધંધુકામાં ખેલાયો લોહિયાળ ખેલ! ફાટી નીકળી હિંસા; દુકાનો-વાહનો સળગાવ્યા, યુવકનું સામે આવ્યું નામ

Spread the love
Dhandhuka News: ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે. મૃતકના મૃતદેહને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસા ફાટી નીકળતા જ વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભય અને અજંપાભર્યો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસની કડક કાર્યવાહી અને અટકાયત

સ્થિતિ વણસતા જિલ્લા પોલીસ વડા (SP) ઓમપ્રકાશ જાટ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યાના કેસમાં રીઝવાન નામના મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. શહેરમાં SOG, LCB અને અન્ય પોલીસ મથકોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

 

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તોડફોડ અને આગચંપી કરનારા તત્વોને સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *