પત્ની-બાળકોનો ખર્ચો ન ઉઠાવી શકો તો લગ્ન ન કરો, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Spread the love

અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મેન્ટેનન્સ કેસ અંગે પતિ દ્વારા દાખલ એક અરજીને ફગાવી દીધી. કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે જે પુરુષ એવું મહેસસ કરતા હોય કે લગ્નજીવનમાં ખટાશ આવી જાય તો તે પત્ની અને બાળકોનો ખર્ચો ઉઠાવી શકશે નહીં તો તેમણે લગ્ન જ નહતા કરવા જોઈતા.

ન્યાયમૂર્તિ અતુલ શ્રીધરન અને ન્યાયમૂર્તિ વિવેક સરનની બેન્ચે કહ્યું કે કોઈ પણ પુરુષ તેની પત્નીના ભરણપોષણની જવાબદારીથી બચવા માટે પોતાની ખરાબ આર્થિક સ્થિતિનું બહાનું બનાવી શકે નહીં.

કોર્ટે કહ્યું કે, એવાર જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલા સાથે લગ્ન કરે તો કાયદા મુજબ તે તેના ભરણ પોષણ કરવા માટે જવાબદાર બને છે. હાઈકોર્ટે પતિ તેજબહાદુરની અપીલને ફગાવતા આ મહત્વની ટિપ્પણી કરી હતી.

 

શું હતો મામલો

પ્રયાગરાજ ફેમિલી કોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ પતિએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટના એડિશનલ પ્રિન્સિપલ જજે હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 24 હેઠળ કરાયેલી અરજીમાં આ આદેશ આપ્યો હતો. પત્નીએ કેસ પેન્ડિંગ રહે ત્યાં સુધી મેન્ટેનન્સ માટે અરજી કરી હતી. ફેમિલી કોર્ટે વૈવાહિક વિવાદ પેન્ડિંગ રહે ત્યાં સુધી પત્નીને મેન્ટેનન્સ તરીકે ચાર હજાર રૂપિયા માસિક આપવાનો આદેશ કર્યો હતો. પતિએ ફેમિલી કોર્ટના આ આદેશને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

 

પતિ તરફથી કરાયેલી અપીલમાં વકીલે પતિની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું કે ટ્રાયલ કોર્ટે આ પહેલું પર વિચાર કર્યો નહીં. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જાણ્યું કે ફેમિલી કોર્ટે તમામ તથ્યો અને પક્ષોના તર્કો પર બરાબર વિચાર કર્યો હતો. કોર્ટે પત્નીના એ નિવેદનને પણ ધ્યાનમાં લીધુ હતું કે તે વધુ ભણેલી ગણેલી નથી. પત્નીએ હાઈકોર્ટને એમ પણ કહ્યું કે તે બાળકોનો ઉછેર પોતે જ કરી રહી છે અને તેની પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી.

 

અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે કહ્યું કે વર્તમાન સમયમાં જીવન જીવવા માટે ચાર હજાર રૂપિયા વધુ નથી અને તે પતિની ક્ષમતાથી બહાર પણ નથી. હાઈકોર્ટે કહ્યું કે એકવાર કોઈ પુરુષ જ્યારે કોઈ મહિલા સાથે લગ્ન કરે ત્યારે તે કાયદા હેઠળ તેનું ભરણપોષણ કરવા માટે જવાબદાર બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *