રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને પગલે લાગુ કરાયેલ આદર્શ આચાર સંહિતાના કારણે દર મહિને યોજાતા પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ આગામી ગુરુવાર તારીખ 23 એપ્રિલ 2026ના રોજ યોજાનાર આ કાર્યક્રમ હવે યોજાશે નહીં.
30 એપ્રિલે ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ એપ્રિલ મહિનાનો રાજ્ય અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ હવે પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે.
પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યો.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, 30 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ પ્રજાજનોની રજૂઆતો સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા આ ફેરફાર અંગે તમામ સંબંધિતોને જાણ કરી, નવી તારીખની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ફેરફારને કારણે પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યો છે, જેથી વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
