સુરત: ડાયમંડ સિટી સુરતના ઉધના વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લોહીના સંબંધો પર ક્રોધ એટલો હાવી થઈ ગયો કે એક પુત્રએ પોતાની જ જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી. સામાન્ય જણાતા પારિવારિક ઝઘડાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક વૃદ્ધ માતાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.
જમવા બાબતે શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતા 33 વર્ષીય મેહુલ શાહ નામના યુવકનો તેના માતા-પિતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ઘટનાના દિવસે મેહુલ મોડો ઘરે આવ્યો હતો અને તેની માતા પ્રતીક્ષાબેન (70 વર્ષ) ને પૂછ્યું હતું કે, “તેના માટે અને તેની દીકરી માટે જમવાનું કેમ નથી બનાવ્યું?” આ મામલે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે મેહુલ ઉશ્કેરાઈ ગયો હતો.
પિતાને બચાવવા વચ્ચે પડેલા માતા બન્યા શિકાર
જ્યારે ઝઘડો ઉગ્ર બન્યો ત્યારે મેહુલના પિતા હર્ષદભાઈ વચ્ચે પડ્યા હતા. મેહુલે ઉશ્કેરાટમાં આવીને પિતાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના પતિને બચાવવા માટે ૭૦ વર્ષીય વૃદ્ધા પ્રતીક્ષાબેન વચ્ચે પડ્યા ત્યારે નરાધમ પુત્રએ તેમને જોરદાર ધક્કો માર્યો હતો. ધક્કાને કારણે વૃદ્ધા નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
