અમદાવાદ: ઈસનપુર વિસ્તારમાં આવેલી એક શાળામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડવું એક માસૂમ વિદ્યાર્થીને ભારે પડી ગયું છે. ઝઘડો શાંત કરાવવા ગયેલા ધોરણ 8ના વિદ્યાર્થી પર અન્ય એક વિદ્યાર્થીએ પરિકર વડે હુમલો કરતા તેની આંખ ફૂટી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, આંખની કીકીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. સવારે 10:30ની ઘટના અને વિદ્યાર્થીને સારવાર 3 વાગ્યા બાદ મળી છે.
શાળા પ્રશાસને ઘટનાને ગંભીરતાથી ન લીધી. એને તાત્કાલિક હોસ્પિટલ પણ ન લઈ જવાયો. વિદ્યાર્થીના માતા આવ્યા બાદ નજીકની હોસ્પિટલ એલજી અને બપોર બાદ આંખની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
વિદ્યાર્થીના માતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ મારું બાળક એના મિત્રને બોલાવવા ગયો હતો. જ્યાં બે વિદ્યાર્થીઓના ઝગડામાં મારા બાળક પર પરિકરથી હુમલો કરાયો હતો. અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયા બાદ રાત્રે મારા બાળકનું ઓપરેશન થયું હતું. નાનું બાળક આ ઉંમરે આંખ ગુમાવે એ સ્થિતિ છે. મારા બાળકને આ ઘટનામાં ન્યાય મળવો જોઇએ. હોસ્પિટલોમાં સારવારના બદલે પ્રથમ ધ્યાન પોલીસ ફરિયાદ પર રાખવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઈસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષાનો માહોલ હતો. આ દરમિયાન બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થઈ રહ્યો હતો. ત્યાં હાજર ધોરણ 8માં અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીએ ભલાઈ બતાવી બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઈ જઈને વચ્ચે પડનાર વિદ્યાર્થીની આંખ પર પરિકરના તીક્ષ્ણ ભાગ વડે જોરદાર હુમલો કરી દીધો હતો.
પરિકરનો ઘા એટલો ગંભીર હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક દેખાતું બંધ થઈ ગયું હતું. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે મણિનગરની એલ.જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, આંખની ઈજા અત્યંત ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, હુમલાને કારણે વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ છે અને તેની દ્રષ્ટિ ગુમાવવાનો ભય સેવાઈ રહ્યો છે.
શાળામાં પરીક્ષા સમયે થયેલી આ લોહિયાળ બબાલને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ નારોલ પોલીસનો કાફલો શાળા પર પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે શાળાના સ્ટાફ અને હાજર વિદ્યાર્થીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.
