
શું છે મામલો અને ભરણપોષણનો કેસ?
આ કેસની મળતી વિગત અનુસાર, આ દંપતીના લગ્ન 2016માં થયા હતા. પરંતુ બંને વચ્ચે વિવાદ થતાં મહિલાએ પોતાના અને બાળક માટે ભરણપોષણની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન પતિએ DNA ટેસ્ટની માંગ કરી, અને મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ આવેલા રિપોર્ટમાં સાબિત થયું કે તે બાળકનો બાયોલોજીકલ પિતા નથી.
દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર
DNA ટેસ્ટના આધાર પર ટ્રાયલ કોર્ટે અને બાદમાં હાઈકોર્ટે મહિલાએ કરેલી ભરણપોષણની અપીલ ફગાવી દીધી હતી. જોકે, દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે આ નિર્ણય લીધો હતો.
સુપ્રીમ કોર્ટે પણ મહિલાની અપીલ ફગાવી
ટ્રાયલ કોર્ટે અને દિલ્હી હાઈકોર્ટે બાદ સુપ્રીમ કોર્ટે પણ મહિલા અરજદારની અપીલ ફગાવી દેતા અગાઉના ફેંસલાને યથાવત રાખ્યો હતો. અદાલતમાં સુનાવણી દરમિયાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872 (કલમ 116) અને પિતાની ઓળખ માટે થતી આધુનિક તપાસો વચ્ચેના સંબંધ પર પણ ચર્ચા થઈ હતી.
DNA રિપોર્ટને અંતિમ અને માન્ય ગણ્યો
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં DNA ટેસ્ટ પહેલેથી જ થઈ ચૂક્યો છે. અપીલ કરનાર વ્યક્તિએ માત્ર આ ટેસ્ટ માટે પોતાની સંમતિ જ નહોતી આપી, પરંતુ રિપોર્ટના પરિણામો પર ક્યારેય કોઈ સવાલ પણ ઉઠાવ્યો ન હતો. આ કારણે, કોર્ટે જણાવ્યું કે આ રિપોર્ટ હવે સંપૂર્ણપણે અંતિમ અને માન્ય બની ચૂક્યો છે.
વિજ્ઞાન અને કાનૂની ધારણા વચ્ચે ટકરાવ
અદાલતે અગાઉના ‘નંદલાલ વાસુદેવ બડવાઇક વિરુદ્ધ લતા નંદલાલ બડવાઇક’ કેસનો ઉલ્લેખ કરતા નોંધ્યું કે આ કેસની સ્થિતિ પણ એવી જ છે. આ પરથી સ્પષ્ટ છે કે જ્યારે વૈજ્ઞાનિક પુરાવા (DNA ટેસ્ટ) અને કાનૂની ધારણા વચ્ચે ટકરાવ થાય, ત્યારે જીત વિજ્ઞાનની જ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકને ભરણપોષણ ન આપવાના નિર્ણયમાં કોઈ ભૂલ નથી. સામાન્ય રીતે DNA તપાસના આદેશ સાવચેતીપૂર્વક આપવા જોઈએ, પરંતુ આ કેસ અગાઉથી થયેલા ટેસ્ટને કારણે અલગ છે.
બાળક માટે તંત્રને આપ્યો ખાસ નિર્દેશ
ભલે અદાલતોએ મહિલાની અપીલ ફગાવી દીધી હોય, પરંતુ બાળકના હિતને ધ્યાનમાં રાખીને કોર્ટે મહિલા અને બાળ વિકાસ વિભાગને બાળકની સ્થિતિ વિશે માહિતી એકઠી કરવાનો નિર્દેશ આપ્યો છે. જો બાળકની સ્થિતિમાં કોઈ કમી જણાય તો જરૂરી ઉપાયો અને પગલાં લેવા માટે પણ કોર્ટે સૂચન કર્યું છે.