West Bengal Election Voting: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળની 152 બેઠકો પર પ્રથમ તબક્કા હેઠળ મતો નાખવામાં આવ્યા હતા. બંગાળ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે. પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે જોરદાર મુકાબલો છે.
બંગાળમાં રેકોર્ડ મતદાન
પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કાની 152 બેઠકો પર થયેલા મતદાનમાં 91.46 ટકા મતદાન નોંધાયું હતું.
આઝાદી પછીનું સૌથી વધુ મતદાન – CECનું મોટું નિવેદન
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ વખતે આઝાદી પછીનું અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે. એટલે કે આ બંને રાજ્યોમાં પ્રથમ વખત આટલી ઊંચી મતદાન ટકાવારી નોંધાઈ છે. તેમણે તમામ મતદારોની પ્રશંસા કરતા કહ્યું કે ચૂંટણી પંચ દરેક મતદારને સલામ કરે છે, જેમણે મોટી સંખ્યામાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
CRPF જવાનો પર લોકોએ પથ્થરમારો કર્યો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અથડામણના સમાચાર સામે આવ્યા છે. બીરભૂમ જિલ્લાની દુબરાજપુર વિધાનસભા બેઠકના ખૈરાસોલ ઘુમર ગામમાં તૈનાત CRPF જવાનો પર લોકોએ પથ્થર ફેંક્યા હતા.
બમ્પર મતદાન TMCની જીતનો સંકેત: મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અત્યાર સુધી થયેલા મતદાનથી સંકેત મળે છે કે તૃણમૂલ કોંગ્રેસ અત્યારથી જ જીતની સ્થિતિમાં છે. તેમણે કહ્યું, ‘મને કોઈ પદમાં રસ નથી. મને ખુરશી નથી જોઈતી. હું બસ દિલ્હીમાં ભાજપ સરકારનો અંત ઈચ્છું છું.’
TMCના ગુંડાઓથી ડરતા નહીં: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘બંગાળમાં અત્યારે મને કેટલાક લોકો મળ્યા, જેઓ કહી રહ્યા હતા કે અમિતભાઈ, લોકો વોટ તો આપવા માંગે છે, પરંતુ ગુંડાઓથી ડરે છે. આ લોકોથી ડરતા નહીં. હું દીદીના ગુંડાઓને કહીને જાઉં છું કે, 29 તારીખે ઘરની બહાર ન નીકળતા, નહીં તો 5 તારીખ પછી અમે તમને સીધા કરી દઈશું.’
