પાટણમાં મતદાન બાદ મહિલાનું મોત, છેલ્લી ઘડી સુધી નિભાવી પવિત્ર ફરજ! જાણો શું બની ઘટના?

Spread the love

લોકશાહીના પર્વ સમાન મતદાન પ્રક્રિયા દરમિયાન આજે પાટણ શહેરમાં એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. શહેરની બી.એમ. હાઈસ્કૂલ ખાતે મતદાન કરવા આવેલા એક વૃદ્ધાનું મતદાન કરીને પરત ફરતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું.

પાટણના ગાયત્રી મંદિર રોડ પર આવેલી માયાનગર સોસાયટીમાં રહેતાં કમળાબેન અનિલભાઈ સોલંકી (ઉંમર વર્ષ 68) આજે ઉત્સાહપૂર્વક પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટે બી.એમ.

હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા.

 

કમળાબેને મતદાન મથકની અંદર જઈને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. જોકે, મતદાન કર્યા બાદ મતદાન મથકમાં જ અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ અને અન્ય મતદારો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા. અને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોના અથાગ પ્રયત્નો છતાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

 

પ્રાથમિક દૃષ્ટિએ હૃદયરોગના હુમલાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક જાગૃત નાગરિક તરીકે તેઓ છેલ્લી ઘડી સુધી પોતાની ફરજ બજાવી ગયા, જે ખરેખર પ્રેરણાદાયક છતાં આઘાતજનક છે.

 

આ ઘટનાને પગલે માયાનગર સોસાયટી અને સમગ્ર પાટણ પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *