સુરતમાં પાટીદાર સગીરાની છેડતીના મામલે ધરપકડ કરાયેલા આરોપી મહમ્મદ અઝીઝના કેસમાં હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં એવી કડીઓ હાથ લાગી છે જે સૂચવે છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ મામલો આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પૂર્વ-આયોજિત હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.
ઓડિયો ક્લિપથી ખળભળાટ
પોલીસને તપાસ દરમિયાન એક વિવાદાસ્પદ કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે. આ ઓડિયોમાં સુરતના વોર્ડ નંબર 29 (અલથાણ) ના ‘આપ’ ઉમેદવાર જીવરામ પટેલનો માણસ અન્ય એક વ્યક્તિ સાથે વાતચીત કરતો સંભળાય છે. આ વાતચીતમાં તે સ્પષ્ટ સૂચના આપી રહ્યો છે કે પોલીસે મહમ્મદને પકડી લીધો છે, તમારે ત્યાં પહોંચીને તેને પોલીસ જીપમાંથી બહાર ખેંચવાનો છે. ત્યાં જોરશોરથી હોબાળો કરવાનો છે અને જરા પણ ઢીલા પડવાનું નથી. ત્યારબાદ ભાજપ કાર્યાલય અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો છે.
રાજકીય ફાયદા માટે ‘સ્ક્રિપ્ટ’ તૈયાર કરાઈ?
વાયરલ થયેલા આ સ્ફોટક ઓડિયો પરથી એવું પ્રતીત થાય છે કે પાટીદાર સમાજની સહાનુભૂતિ મેળવવા અને ભાજપ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવા માટે આ સમગ્ર ઘટનાની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. ઓડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ હોબાળાથી પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળશે અને ભાજપને મોટું નુકસાન થશે. વધુમાં, જીવરામ પટેલનો માણસ તે વ્યક્તિને ખાતરી આપે છે કે, “મહમ્મદને છોડાવી લેવામાં આવશે, જીવરામભાઈની ‘ઉપર’ સુધી વાત થઈ ગઈ છે.” આ બાબત પોલીસ તપાસમાં અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
રાજૂ કરપડાની ભવિષ્યવાણી સાચી પડી?
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અગાઉ રાજૂ કરપડા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી પણ ચર્ચામાં આવી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને ગુજરાતની જનતાને સાવધ કરી હતી કે આમ આદમી પાર્ટી ચૂંટણીના છેલ્લા દિવસોમાં કોઈ મોટી ‘સ્ક્રિપ્ટેડ’ ઘટનાને અંજામ આપી શકે છે. વર્તમાન ઘટનાક્રમ તેમની આ વાતને સમર્થન આપતો હોય તેવું જણાય છે. ગુજરાતની શાંતિ જોખમીને સત્તા મેળવવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું રાજકારણ કદાચ રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર જોવા મળ્યું છે, જેમાં રાજકીય લાભ ખાટવા માટે એક દીકરીની આબરૂને દાવ પર લગાડવામાં આવી.”
