Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન, ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

Spread the love
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે(26 એપ્રિલ) મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું છે. ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 49% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે.

 

રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.

 

• 15 મહાનગરપાલિકાઓમાં 49% મતદાન

• 84 નગરપાલિકાઓમાં 59% મતદાન

• 34 જિલ્લા પંચાયતોમાં 61% મતદાન

• 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61% જેટલું મતદાન

 

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.08% મતદાન નોંધાયું

 

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાજ્યનું સરેરાશ મતદાન 57% નોંધાયું છે. સવારે 9 વાગ્યે જે મતદાન માત્ર 4% થી 7% ની આસપાસ હતું, તે બપોરે 1 વાગ્યા સુધીમાં 20% થી 30% પર પહોંચ્યું અને અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો 57% ને પાર કરી ગયો છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.

 

જામનગર મનપાના AAPના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત

 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા માત્ર 38 વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ આકસ્મિક નિધનને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 

પેટલાદ: સાંસેજ ગામે ચૂંટણી ફરજ દરમિયાન પોલિંગ સ્ટાફના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

 

આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના બની હતી, જેમાં ચૂંટણીની ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફના કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું. સાંસેજ ગામે બુથ નંબર – 1 પરના મતદાન મથક પર કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીના અચાનક અવસાનથી સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

 

પાટણ: મતદાન મથકે જ વૃદ્ધાને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત

 

પાટણની બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધાનું મતદાન કરવા દરમિયાન હાર્ટ એટેક આવવાથી દુખદ અવસાન થયું છે. મતદાન મથકે પહોંચતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા, જ્યાં હાજર મેડિકલ ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. અગાઉથી નાજુક તબિયત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા આવેલા વૃદ્ધાના આ આકસ્મિક મૃત્યુથી મતદાન કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું.

 

તાપીમાં ભાજપના બે જૂથો વચ્ચે ઘર્ષણ: આંતરિક જૂથવાદ ચર્ચામાં

 

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

 

અમદાવાદના ખોખરામાં 2 બૂથના સ્થળ બદલી નખાતા હોબાળો

 

અમદાવાદના ખોખરામાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મતદારો જ્યારે ત્યાં મતદાન કરવા પહોંચ્યા તો તેમણે ખબર પડી કે તેમના પોલિંગ બુથના સ્થળ બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી અપાઈ જ નહોતી. જેને લઈને ફરિયાદો પણ નોંધાઈ છે.

 

રાજકોટમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસી ઉમેદવાર સહિત 20ની અટકાયત

 

રાજકોટમાં ચાલુ મતદાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ લોકો પર આરોપ હતો કે તેઓ ચાલુ મતદાન વચ્ચે મતદાન બુથથી 100 મીટરની અંદર પ્રચાર કરી રહ્યા હતા. હાલમાં આ મામલો થોરાળ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

 

અમદાવાદમાં પણ ઈવીએમ ખોટકાયું

 

મળતી માહિતી અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જી બી શાહ કોલેજમાં મતદાન મથકે ઈવીએમમાં ગરબડ થયાની માહિતી સામે આવી હતી. કોંગ્રેસના ઉમેદવારોનું બટન જ દબાવાતું નથી તેવી ફરિયાદો મળી છે. જેને લઈને લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. જોકે ફરિયાદ બાદ ઈવીએમ બદલાયાની માહિતી સામે આવી છે.

 

4.02 કરોડ મતદારો 25551 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

 

આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 25551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.

 

આણંદમાં ચૂંટણી પહેલાં હિંસા: વોર્ડ નં. 13ના કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો

 

આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

 

કયા પક્ષના કેટલા ઉમેદવારો?

 

આ વખતે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની લગભગ 700 જેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ ચૂકી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભાજપના 9596, કોંગ્રેસના 8443 ઉમેદવારો જ્યારે આમ આદમી પાર્ટીના 5261 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. જ્યારે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. કુલ 4.02 કરોડમાં શહેરી મતદારો 1.40 કરોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *