
અધરાતે ખેલાયો ખૂની ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, સંગ્રામપુરા ગામે રહેતા શ્રવણ ગમાર નામના શખ્સે મોડી રાત્રે અચાનક હિંસક બની પોતાની માતા, પત્ની અને માસૂમ પુત્ર પર કુહાડી વડે આડેધડ હુમલો કર્યો હતો. શ્રવણે પરિવારના સભ્યોના માથાના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા હતા, જેમાં શ્રવણ પોતે અને તેના માત્ર 2 વર્ષના પુત્ર કમલેશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન માતાનું પણ મોત
અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ રહેલા માતા જમનાબેનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જેના કારણે આ હત્યાકાંડમાં કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે. શ્રવણની પત્ની કાંતાબેનની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો
ઘટનાની ગંભીરતાને જોતા સાબરકાંઠાજિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, ખેડબ્રહ્મા ડીવાયએસપી કુલદીપ નાઈ સહિતની ટીમ તાત્કાલિક સંગ્રામપુરા દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ હાથ ધરી છે અને પુરાવા એકત્ર કર્યા છે.
હત્યાનું કારણ હજુ અકબંધ
પોતાના જ વ્હાલસોયા પુત્ર અને માતા-પત્ની પર હુમલો કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હવે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પત્ની કાંતાબેનનું નિવેદન લેવાની રાહ જોઈ રહી છે. તેમના નિવેદન બાદ જ આ ભયાનક હત્યાકાંડ પાછળનું રહસ્ય ખુલવાની શક્યતા છે.