ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 15 કામદારો પૈકી 2 શ્રમિકોના સારવાર દરમિયાન કરુણ મોત નિપજતા મામલો ગરમાયો છે.
કંપનીના દરવાજે હંગામો
દુર્ઘટના બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા પીડિત પરિવારજનો સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કે વાતચીત ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્વજનો ગુમાવનારા પરિવારો ન્યાય અને વળતરની માંગ સાથે કંપનીના ગેટ પર એકત્ર થયા હતા, પરંતુ કંપની પ્રશાસને સંવેદનશીલતા દાખવવાને બદલે ગેટ બંધ કરી દીધા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવાએ બતાવ્યો રૂઆબ
ઘટનાની જાણ થતા જ ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિતોની વહારે દોડી આવ્યા હતા. તેમણે મેનેજમેન્ટ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંપનીએ ગેટ ન ખોલતા સ્થિતિ સ્ફોટક બની હતી. અંતે, આક્રમક મૂડમાં આવેલા ચૈતર વસાવા કંપનીનો ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેમના આ તેવર જોઈ સુરક્ષાકર્મીઓ અને મેનેજમેન્ટમાં ફફડાટ ફેલાયો હતો.
હાલમાં ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ઘર્ષણ ટાળવા માટે પ્રયાસો ચાલુ છે. કામદારોના જીવ ગયા હોવા છતાં કંપનીની બેદરકારી સામે સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.
