અમારો 1 કૂવો ઉડશે તો તમારા 4 રાખ કરી દઈશું!”, ઈરાનની નવી ધમકીથી દુનિયામાં ફફડાટ

Spread the love

ઈરાને અખાતી પડોશી દેશો (Gulf Countries) ને નવી ધમકી આપતા સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ અમેરિકાનો સાથ ન આપે. ઈરાને આ ધમકી આપતા એમ પણ કહ્યું છે કે, અમારું ગણિત થોડું અલગ છે. જો ઈરાનના એક તેલના કૂવા પર હુમલો કરવામાં આવશે, તો જવાબમાં તેલના 4 કૂવા તબાહ કરવામાં આવશે.

આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા સાથે બીજી વખત યોજાનારી શાંતિ મંત્રણાને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

ટ્રમ્પે તો સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, હવે પાકિસ્તાનમાં કોઈ મંત્રણા નહીં થાય. જો ઈરાને વાત કરવી હોય તો કાં તો તે પોતાના પ્રતિનિધિઓને અમેરિકા મોકલે અથવા ફોન કોલ પર જ વાત કરે.

 

ઈરાનની ચેતવણી

 

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ ઈસ્માઈલ સગબ ઇસ્ફહાનીએ જણાવ્યું છે કે, જો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર ચાલી રહેલી નાકાબંધી દરમિયાન ઈરાનના કોઈપણ માળખા, જેમ કે તેલના કૂવાઓને નુકસાન થશે, તો ઈરાન ચાર ગણો જવાબ આપશે. તેમણે એક્સ (X) પર લખ્યું કે, “અમે કોઈપણ યુદ્ધ જેવી કાર્યવાહીનો જવાબ આપીશું. જો અમારી કોઈપણ સુવિધા, જેમ કે તેલના કૂવાને નુકસાન થશે, તો અમે એ સુનિશ્ચિત કરીશું કે જે દેશો હુમલાખોરને સાથ આપશે, તેમને ચાર ગણું નુકસાન થશે.”

પહેલા ટ્રમ્પે આપી હતી ધમકી

 

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો. ગયા અઠવાડિયે, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે લખ્યું હતું કે, “ઈરાન આર્થિક રીતે તૂટી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે, હોર્મુઝની સામુદ્રધુની તાત્કાલિક ખોલવામાં આવે; પૈસાની અછત થઈ રહી છે! દરરોજ 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. સેના અને પોલીસ ફરિયાદ કરી રહ્યા છે કે, તેમને પગાર નથી મળી રહ્યો. SOS!!!”

ત્યારબાદ ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જો આવું દબાણ ચાલુ રહેશે, તો ગણતરીના દિવસોમાં ઈરાનની ઓઈલ પાઈપલાઈન ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ઈરાનના ઊર્જા માળખાને લઈને તણાવ ઘણો વધી ગયો છે, જે અમેરિકાની દબાણ લાવવાની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે.

 

તેલના ભાવમાં વધારો

 

સોમવારે તેલના ભાવમાં અંદાજે બે ટકાનો વધારો થયો હતો. AFPના રિપોર્ટ અનુસાર, Forex.com ના ફવાદ રઝાકઝાદાએ ચેતવણી આપી છે કે, તેલના ભાવ ગમે ત્યારે ફરીથી ઝડપથી વધી શકે છે. તેમણે લખ્યું, ‘જો તણાવ વધુ વધશે, ખાસ કરીને ખુલ્લા સંઘર્ષમાં, તો ભાવમાં વધુ તીવ્ર વધારો થવાનું સ્પષ્ટ જોખમ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *