ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળાઓના સમયમાં કરાયો ફેરફાર

Spread the love

સમગ્ર ગુજરાતમાં અત્યારે સુર્યનારાયણ આકરા પાણીએ છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં પારો 44.8 ડિગ્રીને પાર કરી ગયો છે. વધતી જતી ગરમી અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાથમિકતા આપીને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

હવે 12 વાગ્યા પછી શાળામાં નહીં રાખી શકાય બાળકોને

 

શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી સૂચનાઓ મુજબ, હવે શાળાઓએ ગરમીના સમય દરમિયાન વિદ્યાર્થીઓને બપોરે 12 વાગ્યા સુધીમાં શાળા છોડી દેવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને હીટસ્ટ્રોક અને ગરમીથી થતી અન્ય બીમારીઓથી બચાવવાનો છે.

આઉટડોર એક્ટિવિટીઝ પર સદંતર પ્રતિબંધ

 

નવી માર્ગદર્શિકામાં શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓને ગરમીના સમયે કોઈપણ સંજોગોમાં ખુલ્લા મેદાનમાં બેસાડવા નહીં અને કોઈ પણ પ્રકારની આઉટડોર રમતો કે અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવું નહીં. આ સાથે જ શાળાઓમાં પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની પૂરતી વ્યવસ્થા જાળવી રાખવી પડશે અને ખાસ કરીને પ્રાયમરી સેક્શનના નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય રહેશે.

 

તમામ બોર્ડની Schoolને લાગુ પડશે નિયમ

 

હાલમાં જ્યારે CBSE, ICSE અને રાજ્ય બોર્ડની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર અથવા પરીક્ષાઓની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ નિયમ તમામ ખાનગી અને સરકારી શાળાઓને સમાન રીતે લાગુ પડશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

 

ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી વાલીઓમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓનું માનવું છે કે બપોરના સમયે નાના બાળકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ હોય છે, ત્યારે આ નિર્ણય ઘણો આવકારદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *