IPS અધિકારીઓને ‘દલાલ’ કહેવું ગોપાલ ઈટાલિયાને ભારે પડ્યું; મામલો ચૂંટણી આયોગ સુધી પહોંચ્યો

Spread the love

ગુજરાતમાં રાજકીય નિવેદનબાજી અને વહીવટી તંત્ર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સિનિયર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર માટે ‘દલાલ’ જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કરતા રાજ્યના પોલીસ બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત IPS એસોસિએશને ચૂંટણી આયોગ અને ગૃહ વિભાગને લેખિત ફરિયાદ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

લોકશાહીની ગરિમા વિરુદ્ધનું કૃત્ય: IPS એસોસિએશન

 

જાહેર મંચ પરથી ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને IPS એસોસિએશને અત્યંત ગંભીર ગણાવી છે. એસોસિએશનના અધ્યક્ષ અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, નાયબ અધ્યક્ષ પિયુષ પટેલ અને સચિવ નિપુણા તોરવણેએ સંયુક્ત રીતે આ નિવેદનને વખોડી કાઢ્યું છે. એસોસિએશનનું માનવું છે કે, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકપ્રતિનિધિ દ્વારા સિનિયર અધિકારીઓ માટે આવા અપશબ્દો બોલવા એ માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સમગ્ર પોલીસ દળના નૈતિક મનોબળ (Morale) ને તોડવાનો એક જઘન્ય પ્રયાસ છે.

 

દલાલ’ શબ્દના પ્રયોગથી વકર્યો વિવાદ

 

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના સંબોધનમાં વહીવટી તંત્ર અને પોલીસને ‘દલાલ’ તરીકે સંબોધ્યા હતા. આ મામલે ગૃહ વિભાગ અને રાજ્યના પોલીસવડા (DGP) ને લખેલા પત્રમાં જણાવાયું છે કે, વહીવટી માળખું હંમેશા તટસ્થતાથી કામ કરતું હોય છે. જવાબદાર પદ પર હોવા છતાં વારંવાર પોલીસ તંત્રને નિશાન બનાવવાની વૃત્તિ લોકશાહીની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. આ અગાઉ પણ ઇટાલિયાના નિવેદનો વિવાદોમાં રહ્યા છે, પરંતુ આ વખતે મામલો સીધો સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે હોવાથી સંગઠને લડાયક મૂડ ધારણ કર્યો છે.

 

પોલીસ ફોર્સનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ?

 

પોલીસ વિભાગના મતે, આ પ્રકારની નિવેદનબાજીથી 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓમાં નિરાશા વ્યાપે છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચૂંટણીના માહોલમાં જ્યારે સમગ્ર તંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું હોય, ત્યારે આ પ્રકારે પાયાવિહોણા આક્ષેપો અને અપશબ્દો બોલવા તે કાયદો અને વ્યવસ્થા જાળવનારાઓનું અપમાન છે. હવે જોવાનું એ રહે છે કે, ચૂંટણી આયોગ આ ફરિયાદના આધારે ગોપાલ ઇટાલિયા સામે આચારસંહિતા ભંગ કે અન્ય કોઈ શિસ્તભંગના પગલાં લે છે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *