
ગેનીબેનના ગઢમાં ગાબડું
કોંગ્રેસના હાલના કદાવર નેતા અને જેમના વિસ્તારમાં ભાજપ સુધ્ધાં હજુ સુધી ગાબડું નહોતું પાડી શક્યું તે અશક્ય કામ આ વખતે થઈ ચૂક્યું છે.
વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ ભાજપે ઐતિહાસિક સફળતા મેળવતા થરાદ નગરપાલિકા પર ભવ્ય વિજય મેળવ્યો છે. વાવ-થરાદ નવા જિલ્લાનું હેડક્વાર્ટર બન્યા બાદ યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં ભાજપે જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આઝાદી બાદ પહેલીવાર થરાદ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, જે રાજકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. આ જીત સાથે જ ભાજપે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે અને કાર્યકરોમાં વિજયનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બગસરામાં આપ
બગસરા તાલુકા પંચાયત કોંગ્રેસ અને ભાજપ બંને માટે નિરાશાજનક રહ્યું છે. અહીં આમ આદમી પાર્ટીએ કબ્જો મેળવી લીધો. એ સાથે જ ધારી તાલુકાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના ગઢબમાં ગાબડું પડ્યું છે. બગસરા તાલુકા પંચાયતની 16 બેઠક હતી તેમાંથી 9 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી લીધો છે. વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વિસ્તાર છે. એવામાં નજીકમાં રહેલા બગસરાને પણ તેનો થોડો ફાયદો થયો છે એ માનવામાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે આ પરિણામ એકદમ અણધાર્યું રહ્યું હતું.
કોંગ્રેસે ભાજપનો કિલ્લો તોડ્યો
યાત્રાધામ અંબાજીમાં ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢમાં ગાબડું પાડીને કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યાં અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. વર્ષોથી ભાજપનું પ્રભુત્વ ધરાવતી આ બેઠકો પર મતદારોએ પરિવર્તન લાવીને કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે, જેની પાછળ અંબાજી કોરિડોર વિકાસ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી અને સ્થાનિકોના ઘર હટાવવાની કાર્યવાહી સામેનો જનરોષ મુખ્ય કારણ મનાઈ રહ્યો છે. વિકાસના નામે થયેલી તોડફોડ અને વિસ્થાપન મુદ્દે નારાજ મતદારોએ પોતાના મતાધિકાર દ્વારા આક્રોશ વ્યક્ત કરતા ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે આ ઐતિહાસિક જીતથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં પાંચ વર્ષ બાદ કોંગ્રેસે ખાતું ખોલાવ્યું
સુરત મહાનગરપાલિકાના રાજકારણમાં પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ આખરે કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે, જેમાં વોર્ડ નંબર 12 (નાણાવટ-સૈયદપુરા) માં ભાજપની પેનલ તૂટી છે. આ વોર્ડમાં ભાજપના ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ શાનદાર જીત મેળવીને સુરત શહેરમાં કોંગ્રેસની હાજરી નોંધાવી છે. લાંબા સમય બાદ મળેલી આ જીતને કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભૂજમાં AIMIM
ભૂજના વોર્ડ 1 માં 3 બેઠક પર AIMIM અને 1 બેઠક કોંગ્રેસનો વિજય થયો છે. આ પરિણામ પણ આશ્ચર્યજનક રહ્યું કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટક્કરમાં AIMIM જીત મેળવશે તેવું કોણે વિચાર્યું હશે?