ગુજરાતના રાજકારણમાં ફરી સાબિત થયું, પોલીસ કૉન્સ્ટેબલ સફળ અને IPS અધિકારીઓ નિષ્ફળ

Spread the love

Gujarat Local Elections Results 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. ચારેય તરફ રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ કેટલીક જગ્યાએ અપસેટ પણ સર્જાયો છે. અરવલ્લી જિલ્લાની શામળાજીની ઓડ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાનો પરાજય થયો છે.

પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાની પ્રથમ ચૂંટણીમાં જ હાર

 

પોલીસકર્મી નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવે તે સામાન્ય બાબત છે. ગુજરાત અને દેશમાં પણ અનેક આવા ઉદાહરણો છે જેમાં પોલીસકર્મીઓ રાજનેતાઓ બન્યા છે. ગુજરાતના રાજકારણમાં જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાજકારણમાં હાથ અજમાવ્યો છે તેમાં મોટાભાગના અધિકારીઓએ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે. પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાને પણ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ IPS અધિકારીઓ બી.ડી.વાઘેલા, કુલદીપ શર્મા, ડી.જી.વણઝારા, વી.વી.રબારી જેવા અનેક નામ સામેલ છે જેઓએ ચૂંટણીમાં સફળતા નથી મળી. જ્યારે કેટલાક અધિકારીઓ તેમાં અપવાદ છે.

 

પોલીસ કોન્સટેબલ રાજનીતિમાં ખૂબ જ સફળ રહ્યા

 

જયારે આપણે પૂર્વ પોલીસ કોન્સટેબલની વાત કરીએ તો તેઓ રાજનીતિમાં ખૂબ જ સફળ રહ્યા છે. આ નામમાં ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેંદ્રીય મંત્રી સી.આર.પાટીલ, જેઠા ભરવાડ, ભવાન ભરવાડ અને ગોપાલ ઈટાલિયાનું નામ સામેલ છે. આ તમામ પોલીસની નોકરી છોડી રાજકારણમાં જોડાયા હતા અને તેમને સફળતા મળી છે. ગુજરાતમાં IPS અધિકારીઓની તુલનામાં પોલીસ કોન્સ્ટેબલોએ મેદાન માર્યું છે.

 

ગુજરાતમાં IPS અધિકારી રહી ચૂકેલા જસપાલસિંઘ રાજકારણમાં સફળ રહ્યા હતા. તેઓ કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે પણ કામ કરી ચૂકયા હતા. જોકે DIG તરીકે ફરજ બજાવતા ડી.બી.વાઘેલાએ રાજીનામુ આપી લોકસભાની ચૂંટણીમાં દાહોદ બેઠકથી પોતાની કિસ્મત અજમાવી પરંતુ તેમાં હાર મળી હતી. એવાજ પૂર્વ IPS અધિકારી પી.સી.બરંડા પણ વિધાનસભાની ચૂંટણી લડવા માટે રાજીનામુ આપીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા પરંતુ પ્રથમ વખત તેમને પણ સફળતા મળી નહોતી. હાલમાં તેઓ મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ એકમાત્ર અપવાદ કહી શકાય. કુલદીપ શર્મા IPS અધિકારીમાં ખૂબ ગુંજેલુ નામ પરંતુ નિવૃતી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા જોકે સફળતા મળી નહીં.

 

પોલીસ કોન્સટેબલ તરીકે પોતાની કારર્કિદી શરુ કરનારા તમામ રાજનેતા સફળ થયા છે તે માટે તેમનો લોક સંપર્ક અને તેમની આગવી છટા કારગત નિવડી છે. જયારે અધિકારીઓ પોતાની જીવન શૈલીમાં એક પ્રકારના લોક સંપર્કના અભાવને પગલે કંઈ ખાસ સફળ થતા નથી. પોતાની સર્વિસ દરમિયાન અધિકારી તરીકે તેઓ જયારે કાર્યરત હોય ત્યારે લોકોની સમસ્યાને ખાસ ઉકેલવામાં તેઓ રસ દાખવતા હોતા નથી. પરિણામે જયારે રાજકારણમાં પ્રવેશ કરે ત્યારે લોકો તેમની પાસે આવે તેવી અપેક્ષા વચ્ચે લોકો અને તેમના વચ્ચેનો સંપર્ક કયારેય સેતુ બનતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *