ગાંધીનગર શહેરના માર્ગો પર અત્યારે નંબર પ્લેટ વગરની ગાડીઓનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ગાડીઓ પર નંબરના બદલે ફક્ત કાળી કોરી પ્લેટ મારેલી હોય છે. આ વાહનો શહેરના મુખ્ય સર્કલ અને પોલીસ પોઈન્ટ પરથી બિન્દાસ્ત રીતે પસાર થાય છે છતાં કોઈ તેમને રોકતું નથી. આ બાબતે સ્થાનિક લોકોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
અગાઉના સમયમાં ગાંધીનગરના રસ્તાઓ પર કાળી ફિલ્મ અને નંબરપ્લેટ પર ચોક્કસ લખાણ લખેલી ગાડીઓ અવારનવાર દેખાતી હતી. હવે છેલ્લા કેટલાય દિવસોથી નંબર પ્લેટ વગરની ગાડીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ ગાડીઓ પોલીસની નજર સામેથી અનેક ચોકડીઓ વટાવે છે છતાં કોઈ પણ પોલીસ કર્મચારી તેમને અટકાવતા નથી કે પૂછપરછ કરતા નથી.
આ દ્રશ્યો જોઈને સામાન્ય જનતામાં એવી ચર્ચા છે કે આ કોઈ ચોક્કસ પ્રકારનો નવો કોડવર્ડ હોઈ શકે છે જેની જાણકારી માત્ર અમુક લોકોને જ છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આવી નંબર વગરની ગાડીઓનો ઉપયોગ ગેરકાયદેસર સામાનની હેરાફેરી કરવા માટે કરવામાં આવતો હશે. રસ્તા પર ફરતા આવા અજાણ્યા વાહનો કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.
