પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં એક ઇમારતની અંદર આગ લાગવાથી નવ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. શાહદરાના વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના પ્રયાસો ચાલુ છે. ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે હાજર છે. એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાવી હોવાનું સામે આવ્યું છે.
ઇમારતના છ ફ્લેટની અંદર ઘરવખરીના સામાનમાં આગ લાગી હતી. વિવિધ સ્થળોએથી નવ બળી ગયેલા મૃતદેહ મળી આવ્યા છે. પહેલા માળેથી એક, બીજા માળેથી પાંચ અને બંધ સીડીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. દિલ્હી પોલીસે તમામ મૃતદેહો ક્રાઇમ ટીમને સોંપી દીધા છે. ઘટનાસ્થળે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે.
આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં તેણે અનેક માળને પોતાની લપેટમાં લઈ લીધા. મળતી માહિતી મુજબ, વિવેક વિહાર ફેઝ 1 માં આવેલી બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. ફાયર કંટ્રોલ રૂમને સવારે 3:48 વાગ્યે ઘટના અંગે ફોન આવ્યો હતો, જેના કારણે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ લાગતા ખબર પડી કે ઇમારતના બીજા, ત્રીજા અને ચોથા માળે આગ ભભૂકી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આશરે 12 થી 14 ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા.
રાહત અને બચાવ ટીમોએ પ્રયાસો શરૂ કર્યા
ફાયર બ્રિગેડ, પોલીસ, ક્રાઈમ ટીમ, ટ્રાફિક પોલીસ અને DDMA ટીમે સંયુક્ત રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. લગભગ બે કલાકની ભારે મહેનત પછી, સવારે 6:25 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ શોધ કામગીરી ચાલુ રહી, ખાસ કરીને ઉપરના માળે, જેથી કોઈ અંદર ફસાય નહીં.
શાહદરાના DCP રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે આગ અંગેનો ફોન સવારે 4 વાગ્યે આવ્યો હતો, અને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ઉમેર્યું હતું કે આગ પર કાબુ મેળવવામાં લગભગ બે કલાક લાગ્યા હતા, ત્યારબાદ શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન, આશરે 10 થી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી બેને નાની ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસીઓના મતે, આગ એટલી ભયંકર હતી કે લોકોને બહાર નીકળવાનો સમય નહોતો મળ્યો. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડી ગયા, જ્યારે અન્ય લોકો અંદર ફસાઈ ગયા.
