અમદાવાદમાં અસામાજિક તત્વોએ એક વ્યક્તિ પર કર્યો હુમલો, ધોકા પાઈપ વડે 36 ફટકા માર્યા, વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત

Spread the love
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક કાયદાના લીરેલીરા ઉડતી એક ગંભીર ઘટના બની છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે.

જેમાં અમદાવાદમાં જીવરાજબ્રિજ નીચે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ગત રોજ એટલે કે, 2 મેના ચાર અસામાજિક તત્વોએ એક શખ્સ પર લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં શખ્સ ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે, 4 અસામાજિક તત્વો 22 સેકન્ડમાં લોખંડની પાઇપ અને ધોકાના 36 ફટકા માર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે આનંદનગર પોલીસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

 

પુત્ર કિટલી પર બેઠો હતો ત્યારે પિતા પર હુમલાની થઈ જાણ

 

આ ઘટનાને લઈને સેટેલાઈટમાં રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, તેના પિતા નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે. ગતરાત્રે કૌશિક ચાની કિટલી પર બેઠો હતો ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે તેના પિતા નટુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જેથી કૌશિક સ્થળ પર દોડી ગયો હતો. જે બાદ રિક્ષામાં કૌશિકના પિતા નટુભાઈને સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

 

મૃતકને માથા અને શરીરના ભાગ પર માર્યો હતો માર

 

આ હુમલા બાદ પારેખ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈનું મોત થયું હતું. નટુભાઈ પર કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને જીવરાજબ્રિજની નીચે બાપાસીતારામ મોબાઇલ શોપની પાસે લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો.

 

હુમલાના કારણ અંગે તપાસ ચાલુ

 

આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચાર વ્યક્તિઓ માર મારતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવાઈ છે. નટુભાઈ પર કયા કારણથી હુમલો કરવામાં આવ્યો તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *