તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા હવામાનનો આ તાજો અહેવાલ જરૂર વાંચી લેજો. હવામાન વિભાગે દેશભરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી ચેતવણી જારી કરી છે. અત્યારે દેશમાં એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ (સાયક્લોનિક સર્ક્યુલેશન) સક્રિય થઈ છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ મોટી અસર જોવા મળી રહી છે.
આ તમામ પરિબળો ભેગા થવાથી ઉત્તર, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી હવામાન ખૂબ જ ખરાબ રહેવાની શક્યતા છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, કરા પડવા, ધૂળની ડમરીઓ ઉડવી અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ચાલો વિગતે જાણીએ કયા રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ.
ઉત્તર ભારત અને દિલ્હી-NCR માં માહોલ બગડશે
પહાડી વિસ્તારોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં 3 થી 5 મે દરમિયાન વરસાદ, હિમવર્ષા અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 3 થી 7 મે અને ઉત્તરાખંડમાં 3 થી 8 મે સુધી વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના લોકો માટે પણ 3 અને 6 મેના રોજ વરસાદ અને ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે રાજસ્થાનમાં 4 મેના રોજ ધૂળની આંધી અને ભયંકર વાવાઝોડું આવી શકે છે, તથા 3, 5, 6 અને 7 મેના રોજ વરસાદની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં 3 થી 7 મે સુધી વરસાદ અને વાવાઝોડાનો માહોલ યથાવત્ રહેશે.
પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સતત વરસાદની આગાહી
પૂર્વોત્તર રાજ્યોમાં મેઘરાજા મહેરબાન નહીં, પણ કહેર બનીને વરસી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય જેવા રાજ્યોમાં 3 થી 5 મે દરમિયાન ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. આ જ સમયગાળામાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રોકાયા વગર સતત વરસાદ પડતો રહેશે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 6 અને 7 મેના રોજ વરસાદ ખાબકી શકે છે, જ્યારે બિહાર અને ઓડિશામાં 3 મેના રોજ વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે.
મધ્ય અને દક્ષિણ ભારતમાં પણ પલટાશે હવામાન
મધ્ય ભારત પર નજર કરીએ તો, છત્તીસગઢ, વિદર્ભ અને મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ માટે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ શાંતિ નથી; તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં આખું અઠવાડિયું વરસાદ અને પવનનો દોર ચાલુ રહેશે.
ગરમીથી રાહત, પણ માત્ર થોડા દિવસ માટે!
આ વરસાદી અને તોફાની માહોલ વચ્ચે તાપમાનમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 5 મે સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડા દિવસ માટે રાહત મળશે. પરંતુ, 5 મે પછી ફરી એકવાર તાપમાનનો પારો ઊંચે જવાની શરૂઆત થશે અને ગરમી પાછી ફરશે.
