PM મોદીનું થશે ભવ્ય સન્માન, પાટીદાર સમાજ આપશે ‘સરદાર રત્ન’ એવોર્ડ, 150 કરોડના અત્યાધુનિક ભવનનું કરશે લોકાર્પણ

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પાટીદાર સમાજ અને રાજ્ય માટે અત્યંત ખાસ બની રહેશે, કારણ કે આ દિવસે પાટીદાર સમાજની 8 મોટી સંસ્થાઓ ભેગી મળીને પીએમ મોદીનું ‘સરદાર રત્ન’ એવોર્ડથી ભવ્ય સન્માન કરવાની છે.

ત્રિપલ તલાક અને રાષ્ટ્રહિતના કાર્યો બદલ સન્માન

પાટીદાર સમાજ દ્વારા પીએમ મોદીને આ સર્વોચ્ચ સન્માન ત્રિપલ તલાક નાબૂદી જેવા સામાજિક સુધારા અને રાષ્ટ્રહિતમાં કરેલી ઐતિહાસિક કામગીરી બદલ આપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના સભ્યો અને પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

 

સરદારધામ ભવન-3નું લોકાર્પણ

 

પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અમદાવાદ સ્થિત વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ પામેલા ‘સરદારધામ ભવન-3’ (શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ) નું લોકાર્પણ કરશે. અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ સંકુલ પાટીદાર યુવાનોના શિક્ષણ અને કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થશે.

 

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ

 

આ ભવન માત્ર ઈમારત નથી, પણ સુવિધાઓનો ભંડાર છે જે 4 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આધુનિક સ્ટ્રક્ચર છે તો રહેવાની વ્યવસ્થામાં 278 લક્ઝુરિયસ રૂમ અને NRI અતિથિ ભવન તૈયાર કરાયું છે સાથે શિક્ષણ અને તાલીમ માટે ઈ-લાઈબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને ખાસ તાલીમ કેન્દ્ર પણ બનાવાયું છે. કાર્યક્રમો માટે 1000 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ બનાવાયો છે.

 

પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ

 

આ લોકાર્પણ સાથે પાટીદાર સમાજ શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં એક નવું સોપાન સર કરશે. પીએમ મોદીના હાથે આ ભવનના લોકાર્પણને લઈને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *