આ વખતે મેં લગભગ 10,000 મતોથી ચૂંટણી જીતી છે. નંદીગ્રામના હિંદુ લોકોએ મને ફરીથી જિતાડ્યો છે. ત્યાં મુસ્લિમ મત સંપૂર્ણ રીતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ગયો છે. હું નંદીગ્રામના હિંદુઓ માટે કામ કરીશ. TMCનો અંત આવશે. 24 કલાકમાં આ પાર્ટી સમાપ્ત થઈ જશે. આ ભ્રષ્ટ અને પરિવારવાદી પાર્ટી છે, જેની કોઈ વિચારધારા નથી. અમે તે કામ કરીશું જેની જાહેરાત ગૃહ મંત્રી અમિત શાહે મેનિફેસ્ટોમાં કરી હતી અને જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર વિશ્વાસપૂર્વક પુનરાવર્તન કર્યું છે.
અમે તેને પૂર્ણ કરીશું, એમ ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું હતું.
TMCનો આરોપ – ભાજપના ‘ગુંડાઓ’ દ્વારા ઓફિસોમાં તોડફોડ
પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકરો દ્વારા જીતની ઉજવણી દરમિયાન આગજની અને તોડફોડની છૂટક ઘટનાઓ સામે આવી છે. અનેક વિસ્તારોમાં તૃણમૂલ કોંગ્રેસના ઓફિસોને નિશાન બનાવવામાં આવી હતી. TMCએ આ હુમલાઓની નિંદા કરતાં ભાજપ સમર્થકો પર હિંસાનો આરોપ મૂક્યો અને સત્તામાં આવ્યા બાદ ભાજપ ગંદું રાજકારણ કરી રહ્યો છે, એવો પાર્ટીએ આરોપ લગાવ્યો છે.
સરકારી ઓફિસોમાંથી ફાઇલો ન હટાવવી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ સરકાર રચાવાની તૈયારી ચાલી રહી છે. એ દરમિયાન સોમવારે ચીફ સેક્રેટરી દ્વારા આદેશ આપવામાં આવ્યો કે સચિવાલય નવન્ન ભવન સહિત કોઈ પણ સરકારી ઓફિસમાંથી મહત્વપૂર્ણ ફાઇલો અથવા દસ્તાવેજો ન હટાવાય અને ન જ તેમાં કોઈ છેડછાડ થાય. આ આદેશ બાદ રાજ્ય સચિવાલય અને અન્ય મહત્વપૂર્ણ વહીવટી ઓફિસો બહાર કેન્દ્રીય દળો અને બંગાળ પોલીસને તહેનાત કરવામાં આવી છે. સખત દેખરેખ રાખવામાં આવી રહી છે કે કોઈ દસ્તાવેજ બહાર ન જાય. આવનજાવન કરતા કર્મચારીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
