
સરકારનું કહેવું છે કે, આ અભિયાનથી શ્રમિકોની તંદુરસ્તી સુધરશે અને ગંભીર બીમારીઓની સમયસર ઓળખ થઈ શકશે.
નવા લેબર કોડ મુજબ, 40 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના શ્રમિકો માટે હેલ્થ ચેકઅપ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે, નિયમિત ચેકઅપથી બીમારીની શરૂઆતમાં જ ઓળખ થઈ જશે અને સમયસર સારવાર મળવાથી મોટી સ્વાસ્થ્ય તકલીફો ટાળી શકાશે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં છેલ્લા 12 વર્ષોમાં સરકારે શ્રમ શક્તિ અને યુવા શક્તિને મજબૂત કરવા માટે અનેક મહત્વના પગલા ભર્યા છે. તેમણે કહ્યું કે, આજનો દિવસ દેશના મહેનતુ લોકોના સન્માન માટે સમર્પિત છે અને સરકાર તમામ કામદારોને સામાજિક સુરક્ષા આપવા માટે સતત કામ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, દેશમાં સામાજિક સુરક્ષાનો વિસ્તાર ઝડપથી થયો છે. એક દાયકા પહેલા જ્યાં લગભગ 30 કરોડ લોકો સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડાયેલા હતા, જ્યારે હવે આ સંખ્યા લગભગ 94 કરોડ સુધી પહોંચી ગઈ છે. એટલે કે, કવરેજ 19 ટકાથી વધીને 64 ટકા થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) સાથે જોડાયેલા લાભાર્થીઓની સંખ્યા પણ લગભગ ડબલ થઈ ગઈ છે. પહેલા આ આંકડો લગભગ 7 કરોડ હતો, જે હવે વધીને લગભગ 15 કરોડ થયો છે.
બીમારીની સારવાર પણ કરાવશે ESIC
સરકારએ સ્પષ્ટ કર્યું છે કે, આરોગ્ય તપાસ કેમ્પમાં જેમના શરીરમાં બીમારી મળી આવશે, તેમની સારવાર અને દવાઓ ESICની સુવિધાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી આર્થિક રીતે નબળા શ્રમિકોને રાહત મળશે એવી આશા છે.
નવા લેબર કોડમાં થયેલા સુધારાનો ઉલ્લેખ કર્યો
ડૉ. માંડવિયાએ 4 નવા લેબર કોડ હેઠળ થયેલા મોટા સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, હવે પુરુષ અને મહિલા કર્મચારીઓને સમાન પગાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ મેટરનિટી લીવ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી દેવામાં આવી છે. મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. સરકારે ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને પણ સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાની વાત કરી છે. આ ઉપરાંત, જોખમી કામમાં જોડાયેલા કર્મચારીઓ અને 10થી ઓછા કર્મચારીઓ ધરાવતા નાના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને પણ હવે ESICનો લાભ મળશે.