મોયા મોયા જેવી દુર્લભ બીમારીમાં આયુર્વેદનો ચમત્કાર: ગાંધીનગરમાં 8 વર્ષથી પથારીવશ યુવાન ફરી ચાલતો થયો

Spread the love

ગુજરાતમાં મોયા મોયા નામની દુર્લભ બીમારીનો દર્દી સાજો થયો છે. આર્યુવેદિક સારવારથી માત્ર 35 દિવસમાં યુવાન ફરી ચાલતો થયો છે. ગાંધીનગરની સરકારી આર્યુવેદિક હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં મોયા મોયા નામની દુર્લભ બીમારીથી પીડિત યુવાને છેલ્લા આઠ વર્ષથી પથારીવશ જીવન જીવતો હતો. પરંતુ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 35 દિવસની સારવાર પછી તે ફરીથી ચાલવા લાગ્યો છે.

આ કિસ્સો ગુજરાતમાં મોયા મોયા બીમારીનો પ્રથમ નોંધાયેલો કેસ છે. હંસરાજ બિહોલા, ગાંધીનગર સેક્ટર-26ના રહેવાસી અને કલોલની અરવિંદ મિલમાં નોકરી કરતા દિલીપસિંહના પુત્ર છે. વર્ષ 2016માં હંસરાજ પ્રથમ સ્ટ્રોક અને 2018માં બીજા સ્ટ્રોક બાદ હર્ષ સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયા હતા. તેમના પિતાએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં લાખો રૂપિયા ખર્ચી સારવાર કરાવી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહોતું.

 

શું છે મોયા મોયા બીમારી

 

હર્ષને મોયા મોયા જેવી દુર્લભ રક્તવાહિનીઓની બીમારી હોવાનું નિદાન થયું હતું.

આ બીમારીના કારણે મગજને લોહી પહોંચાડતી નળીઓ બ્લોક થઈ જાય છે

વારંવાર સ્ટ્રોક, લકવો, માનસિક ક્ષમતા ઘટવા જેવા લક્ષણો દેખાય છે.

આ બીમારી સામાન્ય રીતે જાપાન અને કોરિયામાં જોવા મળે છે. જ્યારે ભારતમાં આવા કેસ ખૂબ જ ઓછા છે.

હર્ષના પિતાએ જણાવ્યું, “અમે આશા છોડી દીધી હતી, પરંતુ આયુર્વેદે મારા દીકરાને નવજીવન આપ્યું છે. ડૉ. રાકેશ ભટ્ટ અમારા માટે દેવદૂત સાબિત થયા છે.

 

હર્ષને ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ નિષ્ણાત ડૉ. રાકેશ ભટ્ટે સારવાર આપી હતી. ડૉ. ભટ્ટે જણાવ્યું, “મોયા મોયા રોગનો આ ગુજરાતમાં પ્રથમ કેસ છે. અગાઉ દિલ્હીમાંથી બે દર્દીઓને અહીં સારવાર અપાઈ હતી.” તેમણે વધુમાં ઉમેર્યું, “હર્ષ જ્યારે અહીં આવ્યો ત્યારે વિચારશક્તિ, યાદશક્તિ, બેલેન્સ, એકાગ્રતા-all ઘટી ગઈ હતી અને ચાલવામાં પણ તકલીફ હતી. અમે પંચકર્મ, નસ્ય, શિરોધારા, ષષ્ટિકશાલી પિંડસ્વેદ અને બળ આપનારા ઔષધો આપ્યા. 35 દિવસની મફત સારવાર પછી, હર્ષ 70 ટકા સ્વસ્થ થઈને હોસ્પિટલના કોરિડોરમાં જાતે ફરવા લાગ્યો છે.”

 

આ રોગમાં મગજની રક્તવાહિનીઓ સાંકળી અને બ્લોક થવાથી ઓક્સિજન પૂરતો નહીં પહોંચે, જેથી હાથ-પગમાં નબળાઈ, ખાલી ચડવી અને વારંવાર ખેંચ જેવી સમસ્યાઓ સર્જાય છે. હર્ષના નિદાન માટે MRI, MRA અને સેરેબ્રલ એન્જિયોગ્રાફી જેવી તપાસો કરાઈ હતી. હર્ષના પિતાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 40 થી 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, છતાં એલોપેથીમાં કોઈ ફાયદો થયો નહોતો.

ડૉ. રાકેશ ભટ્ટે જણાવ્યું, “આ રોગને આયુર્વેદમાં અસાધ્ય ગણવામાં આવે છે. છતાં યોગ્ય સારવારથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. હર્ષમાં 70 થી 80 ટકા સુધારો જોવા મળ્યો છે.”

 

આ કિસ્સાએ સાબિત કર્યું છે કે આધુનિક ચિકિત્સાની મર્યાદા પછી પણ આયુર્વેદની પ્રાચીન પદ્ધતિઓ જટિલ રોગો સામે અસરકારક સાબિત થઈ શકે છે. ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અસાધ્ય દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *