1 રૂપિયો પણ પગાર લેતા ન હતા મમતા બેનર્જી છતાં આ રીતે કમાતા હતાં લાખો રૂપિયા, જાણો હવે કેટલું મળશે પેન્શન?

Spread the love

આ વખતની પશ્ચિમ બંગાળની ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક રહી કારણ કે કોઈએ કલ્પના પણ નહતી કરી કે મમતા બેનર્જીની પાર્ટી સત્તામાંથી બહાર થઈ જશે અને તેમણે મુખ્યમંત્રી પદ ગુમાવવું પડશે. ચોંકાવનારા પરિણામો બાદ હવે રાજ્યમાં નવા મુખ્યમંત્રીની કવાયત ચાલુ થઈ ગઈ છે અને આ બધા વચ્ચે સૂત્રો દ્વારા માહિતી આવી રહી છે કે ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી નવા મુખ્યમંત્રી બનશે અને રાજ્યમાં બે ડેપ્યુટી સીએમ હશે.

જો કે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી. આ બધા વચ્ચે તમને જણાવી દઈએ કે મમતા બેનર્જી જ્યારે મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે એક રૂપિયો પણ પગાર લીધો નથી. તો પછી તેમનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું?

 

1 રૂપિયો પણ પગાર લીધો નથી

બંગાળની સત્તા પર મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ એક દાયકા કરતા પણ વધુ સત્તા પર રહી. આ દરમિયાન પાર્ટી પ્રમુખ મમતા બેનર્જી અનેક રીતે ચર્ચામાં રહ્યા. તેમના વિશે એક વાત હંમેશા ચર્ચામાં રહી કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એક રૂપિયો પણ પગાર લીધો નથી. એવું કહેવાય છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ સત્તામાં હતા તેઓ જ્યારે સાંસદ હતા ત્યારે અને વિધાયક તરીકે પગાર લીધો નથી. પેન્શનનો લાભ પણ લીધો નથી. આવામાં સવાલ એ થાય કે આવડા મોટા પદ પર હોવા છતાં પગાર કે પેન્શન વગર ગુજરાન કઈ રીતે ચાલે.

 

કઈ રીતે થતું હતું ગુજરાન?

એક ઈન્ટરવ્યુમાં મમતા બેનર્જીએ ખુલાસો કર્યો હતો કે તેમણે મુખ્યમંત્રી તરીકે ક્યારેય પોતાનો પગાર કે સાંસદ તરીકે પેન્શન લીધુ નથી. તેમને પુસ્તક લેખન, પેન્ટિંગ, ગીત લેખન વગેરેથી કમાણી થાય છે. રિપોર્ટ્સ મુજબ રાજનેતા હોવાની સાથે સાથે મમતા બેનર્જી એક લોકપ્રિય લેખિકા પણ રહ્યા છે અને તેમણે 100થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમને તેમણે લખેલા પુસ્તકોની રોયલ્ટી મળે છે. જે તેમની કમાણીનો એક મોટો રસ્તો છે. તેમાંથી તેમને વાર્ષિક લગભગ 10-11 લાખ રૂપિયાની કમાણી થાય છે.

 

ચિત્રો પણ દોરે છે

મમતા બેનર્જીને પેન્ટિંગનો પણ શોખ છે. તેના દ્વારા થતી કમાણી તેઓ દાન કરે છે. જો કે કેટલીક રકમ પોતાની જરૂરિયાત માટે પણ રાખે છે. તેઓ ગીતો પણ લખે છે. જે પ્રોડક્શન હાઉસ માટે તેઓ ગીતના શબ્દો લખે છે તે તેમને વાર્ષિક 3 લાખ રૂપિયા આપે છે. આ પણ તેમની કમાણીનો એક મોટો રસ્તો છે. એકવાર દીદીએ કહ્યું હતું કે તેઓ એકલા છે એટલે તેમને ગુજરાન ચલાવવા માટે વધુ પૈસાની જરૂર પડતી નથી. જેટલી કમાણી થાય છે તેનાથી આરામથી કામ ચાલે છે.

 

કેટલું મળશે પેન્શન?

મુખ્યમંત્રી પદેથી હટી ગયા બાદ જો તેઓ પેન્શનનો વિકલ્પ પસંદ કરે તો તેઓ એક સાથે અનેક પેન્શન અને સુવિધાઓના હકદાર રહેશે. મમતા બેનર્જી સાતવાર સાંસદ રહી ચૂક્યા છે. આથી તેમનો સંભવિત પેન્શનનો મોટો હિસ્સો તેનાથી આવશે. વર્તમાન નિયમો મુજબ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પદ પર રહેનારા પૂર્વ સાંસદને દર મહિને 31000 રૂપિયાનો બેઝિક પેન્શન મળે છે. સેવાના દરેક વધારાના વર્ષ માટે તેમાં 2400 રૂપિયા વધુ જોડવામાં આવે છે. તેમની લગભગ 25-30 વર્ષ લાંબી સંસદીય કરિયર જોતા તેમના સંસદ સભ્ય તરીકેનું પેન્શન જ દર મહિને 80,000 રૂપિયાથી એક લાખ રૂપિયા સુધી મળી શકે છે.

 

સંસદ સભ્ય તરીકે પોતાના કાર્યકાળ ઉપરાંત બેનર્જી ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળના નિયમો મુજબ પૂર્વ ધારાસભ્યને તેમના સેલરી સ્ટ્રક્ચરના આધારે પેન્શન મળે છે. જે હાલ લગભગ 1.21 લાખ માસિક છે. જો કે પેન્શનની ગણતરીની રીત અલગ અલગ હોઈ શકે છે. એક પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમને જીવનભર મળનારા લાભોનો પણ અધિકાર છે. જેમાં મેડિકલ સુવિધાઓ, Z+ સુરક્ષા, અને સ્ટાફ તથા સરકારી આવાસ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *