નેપાળના કેસિનો, ભારતીય યુવાનોની બરબાદીના નવા અડ્ડા

Spread the love

બહરાઈચ, નવી દિલ્હી, 08 મે (હિ.સ.) “ચમકતી રોશનીમાં કેટલાય ઘર ઉજડી ગયા, કેટલાક રમતા રહ્યા, અનેક સપનાઓ વેરાઈ ગયા.”

 

નેપાળના બાંકે જિલ્લામાં સંચાલિત કેસિનો હવે માત્ર મનોરંજનનું સાધન રહ્યા નથી, પરંતુ ભારતીય યુવાનોની બરબાદીનો નવો દરવાજો બની ગયા છે. ભારત-નેપાળ સરહદને અડીને આવેલા આ કેસિનોમાં પત્તા, દારૂ અને નશાની ચમક-ધમકે ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોના યુવાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે.

આ ગંદી આદતના કારણે પોતાની જમાપૂંજી ગુમાવીને દેવું, નશો અને બરબાદીના દલદલમાં ફસાતા જઈ રહેલા યુવાનોનો દેશ વિરોધી ગુનાઓમાં ઉપયોગ થવાનો ખતરો છે.

 

ઉત્તર પ્રદેશના બહરાઈચને અડીને આવેલા નેપાળમાં, નેપાળગંજ મુખ્યમથકને કેસિનોનું હબ માનવામાં આવે છે, જ્યાં ડઝનબંધ કેસિનો ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ચલાવવામાં આવી રહ્યા છે. બહરાઈચ, લખનૌ, સીતાપુર, બલરામપુર, ગોંડા, કાનપુર, લખીમપુર, શાહજહાંપુર, શ્રાવસ્તી સહિત અનેક જિલ્લાઓના યુવાનો અહીં જુગારની લત લાગવાને કારણે દેવામાં ડૂબી ગયા છે અથવા કંગાળ થવાના આરે પહોંચી ગયા છે. સવારે સરહદ પાર જવા માટે યુવાનોની ભીડ રહે છે અને સાંજ પડતા જ તેઓ ખાલી હાથે પાછા ફરતા જોવા મળે છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 થી 10 લાખ રૂપિયા સુધીનો દાવ લગાવનારા યુવાનોને કેસિનો મેનેજમેન્ટ તેમના શહેરથી નેપાળગંજ સુધી લાવવા-લઈ જવાની સુવિધા પણ આપે છે. હારવાની સ્થિતિમાં તેમને ઘર સુધી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કેસિનોમાં ભારતીયોને મફત દારૂ અને બિયર પીરસવામાં આવે છે, તો વળી નૃત્યાંગનાઓ દ્વારા મનોરંજન પણ પૂરું પાડવામાં આવે છે.

 

જાણકારી મુજબ, સરહદને અડીને આવેલા 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં ડઝનબંધ કેસિનો કાર્યરત છે, જેમાં નેપાળીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં માત્ર ભારતીય અને વિદેશી નાગરિકોને જ પ્રવેશ આપવામાં આવે છે. દરરોજ કરોડો રૂપિયાનું ભારતીય ચલણ કેસિનોમાં ખર્ચવામાં આવી રહ્યું છે, જેમાં 500 રૂપિયાની નોટોનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે.

 

સ્થાનિક પોલીસ અને એસએસબી નો દાવો છે કે, સરહદ પર સતત દેખરેખ રાખવામાં આવે છે અને તપાસ વગર કોઈ પણ વ્યક્તિ સરહદ પાર કરી શકતી નથી. આમ છતાં, મોટી સંખ્યામાં ભારતીય યુવાનો કેસિનો તરફ આકર્ષાઈ રહ્યા છે.

 

સુરક્ષા નિષ્ણાતોને ચિંતા છે કે, જો સમયસર આના પર રોક લગાવવામાં નહીં આવે તો જુગારમાં બરબાદ થયેલા યુવાનોને ગુનાખોરીના માર્ગે ધકેલવામાં આવે તેવી આશંકા છે. તેમનું કહેવું છે કે નેપાળમાં પાકિસ્તાની, ચીની અને અન્ય વિદેશી જાસૂસી સંસ્થાઓનું જાળ ફેલાયેલું છે અને જુગારમાં પાયમાલ થયેલા યુવાનોને ફસાવીને રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ તેમનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *