
આ જાહેરાત બાદ પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાની પ્રતિક્રિયા સામે આવી છે. જેને લઇને પાટીદાર સમાજમાં આ મામલે મતભેદ જોવા મળ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી સાથે પાટીદાર અગ્રણીઓને બેઠકે પણ અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા છે.
સમાજમાં કોઈ ભાગલાની વાત નથીઃ દિનેશ બાંભણિયા
સુરતમાં ખોડલધામના નિર્માણની જાહેરાત બાદ પાટીદાર સમાજમાં 24 કલાકની અંદર જ બે ફાંટા પડ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મામલે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, સમાજમાં કિરણ હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર જમનાબા ભવન જેવી અનેક માતૃસંસ્થાઓ પહેલેથી કાર્યરત છે. ગુજરાતમાં કચ્છ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં પાટીદાર સમાજની હજારો સંસ્થાઓ કામ કરી રહી છે.
બાંભણિયાએ સ્પષ્ટતા કરી હતી કે આમાં કોઈ ભાગલાની વાત નથી. તેમણે ઉમેર્યું કે નરેશ પટેલનું દરેક ક્ષેત્રમાં યોગદાન છે અને મુખ્યમંત્રી સાથેની તેમની મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી. વર્ષ 2022 માં જે પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી, તે અત્યારે સિદ્ધ થવા જઈ રહ્યા છે, જેની શરૂઆત 2 દિવસ પહેલા દક્ષિણ ગુજરાતના સુરતથી થઈ છે.
સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સમાજની એકતા તોડી રહ્યાં છેઃ ધીરુ ગજેરા
પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાએ આ હિલચાલ સામે આકરા પ્રહારો કર્યા છે. ગજેરાએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલના સ્વપ્ન અને નરેશ પટેલની મહેનતથી કાગવડ ખાતે ખોડલધામની સ્થાપના થઈ હતી, જેનાથી સમાજમાં એકતા અને સંગઠન વધ્યું છે. ખોડલધામના ટ્રસ્ટીઓએ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખૂબ સારુ કામ કર્યું છે વંદનીય છે અને તેઓ ખૂબ સારામાં સારું કામ કરે છે ત્યારે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સમાજની એકતા તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે નિંદનીય અને ઘાતક છે.
બીજા ખોડલધામની શું જરૂર છે?: ધીરુ ગજેરા
ગજેરાએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે કાગવડમાં આસ્થાનું કેન્દ્ર મોજૂદ છે ત્યારે બીજા ખોડલધામની શું જરૂર છે? કેટલાક મોટા પૈસાવાળાઓ કોઈના હાથા બનીને સમાજમાં ભાગલા પાડી રહ્યા છે. હોસ્પિટલ માટે ઉદ્યોગપતિઓએ દાન આપ્યું અને સરકારે મફત જમીન આપી, પરંતુ તેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગને મળે છે કે કેમ તેનું મોનિટરિંગ થવું જરૂરી છે. સંસ્થાનો વહીવટ માત્ર એક વ્યક્તિના ભરોસે ચાલવો જોઈએ નહીં.
ડાયમંડ બોર્સના મુદ્દે પણ ગજેરાએ જણાવ્યું હતું કે વેપારીઓને રુ. 20000 થી રુ. 21000 ના ભાવે જગ્યા મળી રહી છે. અહીં માત્ર આરસીસીના ખાલી ખોખા તૈયાર કરાયા છે, જેમાં ટાઇલ્સ કે દરવાજા પણ નાખવામાં આવ્યા નથી અને બધું જ વેપારીઓએ જાતે કરવાનું છે. ફ્રેમવર્ક સિવાય કશું જ નથી. જેના કારણે હજારો કરોડ રૂપિયા બ્લોક થઈ ગયા છે. વેપારીઓ ઓફિસ ખોલવા તૈયાર ન હોવાથી સરકારે દંડાથી ઓફિસો શરૂ કરાવવી પડી છે.