Surat SBI લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અને લૂંટારૂ વચ્ચે ફાયરિંગ, શુભમ સિંગને પગમાં વાગી ગોળી

Spread the love

સુરત શહેરની એસબીઆઈ (SBI) બેંકમાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં આજે તપાસ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે મુખ્ય આરોપી શુભમ સિંગને લઈને હથિયાર અને બાઈક રિકવર કરવા ગઈ હતી, ત્યારે આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જમીનમાં દાટેલું હથિયાર કાઢી પોલીસ પર કર્યું ફાયરિંગ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લૂંટમાં વપરાયેલું હથિયાર અને બાઈક શોધવા માટે આરોપી શુભમ સિંગને કિમના કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી. અહીં આરોપીએ જમીનમાં હથિયાર દાટ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, રિકન્સ્ટ્રક્શન અને તપાસ દરમિયાન ચાલાકી વાપરી શુભમે દાટેલું હથિયાર કાઢી સીધું પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું હતું.

 

પોલીસની વળતી કાર્યવાહી: આરોપીના પગમાં ઝીંકી ગોળી

 

આરોપી દ્વારા અચાનક કરવામાં આવેલા ફાયરિંગથી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પોતાના બચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં મુખ્ય આરોપી શુભમ સિંગના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા જ આરોપી ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ આરોપીને સારવાર માટે કિમ ખાતેની પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

 

ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ

 

નોંધનીય છે કે, 50 લાખની લૂંટના આ કેસમાં પોલીસ તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આજે હથિયાર રિકવરી સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *