ગોંડલના કારખાનેદાર પિતાએ પુત્ર અને પુત્રીની કરી હત્યા, બાદમાં પોતે પણ જીવન ટૂંકાવ્યું

Spread the love

રાજકોટ: જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના વતની 37 વર્ષીય જયપાલ તોગડિયાએ પોતાના 15 વર્ષીય પુત્ર મિશ્ર અને દસ વર્ષીય પુત્રી રિવાને શુક્રવારના રોજ ગળા ટૂંપો આપીને તેમની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પુત્ર તેમજ પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ જયપાલ તોગડીયાએ પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

સમગ્ર ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર આવેલા ગાયત્રી સિમેન્ટ નામના કારખાનામાં બની હતી.

 

જયપાલ તોગડિયા છેલ્લા 15 વર્ષથી સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા

 

ઘટનાની જાણ થતા જ ગોંડલ શહેર એડિવિઝન પોલીસનો કાફલો તેમજ 108ની ટીમ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિત તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિશ્ર ગોંડલની ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તેણે 70 ટકા ગુણ મેળવ્યા હતા. જ્યારે રિવા રામોદની ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. જયપાલ તોગડિયા છેલ્લા 15 વર્ષથી સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને સફળતાપૂર્વક કારખાનું ચલાવી રહ્યા હતા. તેમના પરિવારમાં વૃદ્ધ પિતા, પત્ની અને બે સંતાનોનો સમાવેશ થતો હતો. આજે સવારે પણ તેઓ સામાન્ય રીતે બંને બાળકોને સાથે લઈને કારખાને ગયા હતા.

 

આ દુર્ઘટના સમયે પત્ની ક્યાં હતી?

 

ગોંડલ શહેર એડિવિશન પોલીસ સ્ટેશનના પીઆઇ જે. આર. ઝાલા દ્વારા ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 37 વર્ષીય જયપાલ તોગડિયા દ્વારા બપોરના 1:21 કલાક આસપાસ પોતાના કૌટુંબીક ભાઈને એક વીડિયો મોકલી આપ્યો હતો. જે વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તે આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. તેમના આ પ્રકારના પગલાથી તેમના પરિવારનો કોઈ વાંક નથી. તેમજ પોતાની ઉપર કોઈપણ જાતનું દેણું ન હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આજરોજ સવારે કારખાને જયપાલ ભાઈ આવ્યા ત્યારે તેઓ પોતાની દીકરીને સાથે લાવ્યા હતા. તેમજ બાદમાં પોતાના દીકરાને ફોન કરીને કારખાના ખાતે બોલાવ્યો હતો. બનાવ સમયે કારખાનામાં માત્ર પિતા, પુત્ર અને પુત્રીની જ હાજરી હોવાનું સામે આવ્યું છે. બનાવ સમયે જયપાલ તોગડીયાની પત્ની તેમના નિવાસ્થાન ખાતે હાજર હતી.

 

વર્ષોથી પોતે સિમેન્ટનું કારખાનું ચલાવતા હતા. અગાઉ તેમણે એક કારખાનું ખરીદ કર્યું હતું તેમજ બાદમાં બીજું પણ કારખાનું ખરીદ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *