Accused arrested for cheating people by promising cheap gold લોકોને સસ્તુ સોનું આપવાની લાલચ આપીને ઠગતા આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી ઈલ્યાસખાન ઉર્ફે રાજવીર સિરાજખાન અજમેરી રૂપિયા 4.92 કરોડની મોટી ઠગાઈ કેસનો મુખ્ય સૂત્રધાર છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ઠગાઈ કેસની વિગત એવી છે કે, વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં ગેંડા સર્કલ પાસે આવેલી ‘રાધે એન્ટરપ્રાઈઝ ઇનપોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સ’ ઓફિસમાં આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. તેમને બજાર કરતાં ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી રૂ.4,61,50,000ની રકમ લીધી હતી. ઉપરાંત, રૂ.10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન તરીકે રૂ.31,00,000 વધુ મેળવી લીધા હતા. આમ કુલ રૂપિયા 4.92 કરોડની માતબર રકમ લઈને આરોપીઓ સોનું કે લોન કોઈ પણ આપ્યા વિના ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી ઈલ્યાસખાન અજમેરી રીઢો ગુનેગાર છે. તેની સામે વડોદરાના રાવપુરા, સયાજીગંજ, જે.પી. રોડ, અટલાદરા અને ડી.સી.બી. સહિતના પોલીસ સ્ટેશનોમાં અનેક ગુના નોંધાયેલા છે. ઉપરાંત છોટાઉદેપુર, જેતલપુર અને કર્ણાટકના બેંગલોરમાં પણ તેની સામે છેતરપિંડીના કેસો નોંધાયા છે. તે દેશના વિવિધ ભાગોમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી લોકોને કરોડો રૂપિયાની ઠગાઈ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.