પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આકરી ગરમી અને હીટવેવનો કહેર ચાલુ રહેશે, જે લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે. ચાલો વિગતવાર જાણીએ ક્યાં કેવું રહેશે વાતાવરણ.
દિલ્હી-NCR માં વાતાવરણ પલટાશે
રવિવારે મોડી સાંજથી જ દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં હવામાન બદલાવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અહી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ પૂરી શક્યતા છે. દિવસ દરમિયાન ભલે ગરમી લાગે, પણ સાંજ પડતા તાપમાન ઘટી જશે. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે.
UP ના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાનું જોખમ
ઉત્તર પ્રદેશના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં પણ હવામાન સક્રિય રહેશે. 11 થી 14 મે સુધી ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને લખનૌ, કાનપુર, મેરઠ, બરેલી, પ્રયાગરાજ અને વારાણસીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડું આવવાની શક્યતા છે. આ માટે હવામાન વિભાગે ખેડૂતો અને ખુલ્લા ખેતરોમાં કામ કરતા લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે.
પંજાબ અને હરિયાણામાં વાતાવરણ અસ્થિર રહેશે
પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની સીધી અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળશે. અહીના ઘણા જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થવાની સંભાવના છે. ચંદીગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ 11 થી 13 મે સુધી વાતાવરણ અસ્થિર રહેશે અને ખરાબ હવામાનનો સામનો કરવો પડી શકે છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ
એક તરફ વરસાદ છે, તો બીજી તરફ રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં ભયંકર હીટવેવ ચાલુ રહેશે. જેસલમેર, બાડમેર, બિકાનેર અને જોધપુરમાં તો પારો 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતા છે. હવામાન વિભાગે અહીં હીટવેવનું એલર્ટ આપ્યું છે. પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક હળવા વાદળો જોવા મળી શકે, પણ ગરમીથી ખાસ રાહત નહીં મળે.
આવી જ હાલત મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોની રહેશે. મધ્યપ્રદેશના ઇન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને ભોપાલમાં ગરમ લૂ (પવન) ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતના અમદાવાદ અને કચ્છ વિસ્તારોમાં પણ ગરમીનું મોજું યથાવત રહેશે. જોકે, ગુજરાતના અમુક વિસ્તારોમાં સાંજના સમયે વાદળો ઘેરાય અને છૂટોછવાયો હળવો વરસાદ પડે તેવી પણ સંભાવના છે.
પહાડી રાજ્યો અને દક્ષિણ ભારતમાં કેવું રહેશે વાતાવરણ?
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: આ પહાડી રાજ્યોમાં ખરાબ હવામાનની આગાહી કરાઈ છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા અને નીચેના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડી શકે છે. ભારે પવન ફૂંકાવાની ચેતવણીને પગલે ચારધામ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવાની ખાસ સલાહ અપાઈ છે.
મહારાષ્ટ્ર: મુંબઈ, પુણે અને મરાઠવાડામાં ગરમીની સાથે ભારે ભેજવાળું વાતાવરણ રહેશે. કોંકણ પટ્ટામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક જગ્યાએ હળવો વરસાદ અને વાવાઝોડું આવી શકે છે.
દક્ષિણ ભારત: સાઉથ ઈન્ડિયામાં મેઘરાજા મહેરબાન રહેશે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તમિલનાડુ અને કેરળમાં તો અમુક જગ્યાએ વીજળી અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
