કોણ છે 29 વર્ષીય એસ. કીર્તના? વિજય કેબિનેટમાં એકમાત્ર મહિલા, સૌથી યુવા અને હિન્દી સહિત 5 ભાષાઓમાં નિપુણ

Spread the love
તમિલનાડુમાં અભિનેતા વિજયે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પ્રથમ વખત મુખ્યમંત્રી બનેલા વિજયના મંત્રીમંડળમાં કુલ નવ મંત્રીઓ છે. પરંતુ આ કેબિનેટની સૌથી મોટી ખાસિયત એકમાત્ર મહિલા મંત્રી એસ. કીર્તના છે. માત્ર 29 વર્ષની કીર્તના હિન્દી સહિત પાંચ ભાષાઓ બોલવામાં સક્ષમ છે. શપથ ગ્રહણ કર્યા બાદ કીર્તનાએ કહ્યું કે, નવી સરકાર ગવર્નન્સના મામલામાં એક ઉદાહરણ રજૂ કરશે.

તેમણે કહ્યું કે, “આ ખરેખર અવિશ્વસનીય છે કારણ કે અન્ય કોઈ રાજ્યને આ પ્રકારની કેબિનેટ મળી નથી. અગાઉ અમને પણ કોઈએ આવી તક આપી નથી. હવે અમે દુનિયાને બતાવીશું કે સરકાર કેવી રીતે ચલાવવામાં આવે છે.”

 

કોણ છે એસ. કીર્તના?

કીર્તના વિજયની પાર્ટી, ટીવીકે (TVK)ની ટિકિટ પર તમિલનાડુના શિવકાશીથી ચૂંટાયેલા નવા ધારાસભ્ય છે. શિવકાશીને ‘ભારતનું ફટાકડાનું શહેર’ કહેવામાં આવે છે. કીર્તના આ બેઠક પરથી ચૂંટણી જીતનાર પ્રથમ મહિલા ધારાસભ્ય પણ છે. તેમણે અહીં સાત દાયકાઓથી ચાલી આવતા પુરુષોના વર્ચસ્વને તોડ્યું છે. તેમણે 11,697 મતોથી ચૂંટણી જીતી હતી અને કોંગ્રેસના ઉમેદવાર અશોકન જીને હરાવ્યા છે.

 

જન્મ અને અભ્યાસ

કીર્તનાનો જન્મ વર્ષ 1996માં વિરુધુનગરમાં થયો હતો. તેમણે તમિલ મીડિયમ સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાંથી મેથેમેટિક્સમાં બી.એસસી. કર્યું. વર્ષ 2019માં પોન્ડિચેરી યુનિવર્સિટીમાંથી સ્ટેટિસ્ટિક્સમાં એમ.એસસી.ની પદવી મેળવી.

પોલિટિકલ કન્સલ્ટન્ટનો અનુભવ

સક્રિય રાજકારણમાં આવતા પહેલા કીર્તનાએ પોલિટિકલ કન્સલ્ટન્ટ અને ડિજિટલ કેમ્પેઈન સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કર્યું છે. તેમણે શોર્ટટાઇમ કન્સલ્ટન્ટ અને આઈ-પેક (I-PAC) માટે કામ કર્યું. બાદમાં તેમને તેલુગુ દેશમ પાર્ટી (TDP), ટીએમસી (TMC) અને ડીએમકે (DMK) દ્વારા પણ ચૂંટણી પ્રચાર માટે બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં કીર્તનાએ પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિન, મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે કામ કર્યું છે.

 

અનેક ભાષાઓ પર પ્રભુત્વ

કીર્તના અનેક ભાષાઓ બોલવામાં નિપુણ છે. તેમાં પણ વિશેષ બાબત એ છે કે, હિન્દી પર તેમનો જબરદસ્ત કમાન્ડ છે. ખાસ કરીને તમિલનાડુ જેવા બિન-હિન્દી ભાષી રાજ્યમાં આ બાબત તેમને ખૂબ જ ખાસ બનાવે છે. તેમને તમિલ, તેલુગુ અને અંગ્રેજી પર પણ સમાન પકડ ધરાવે છે. કીર્તનાના જણાવ્યા અનુસાર, અલગ-અલગ ભાષાઓ પરના પ્રભુત્વને કારણે તેમને વિવિધ રાજ્યોમાં કામ કરવામાં અને ત્યાંના લોકો સાથે જોડાવામાં ઘણી સરળતા રહી. તેમણે જણાવ્યું કે, તેમણે હિન્દી બોલવાનું એટલા માટે પસંદ કર્યું જેથી તેઓ સમગ્ર ભારતના લોકો સુધી ટીવીકે ચીફ વિજયના સંદેશાઓ પહોંચાડી શકે.

પ્રચારમાં કઈ બાબતો પર ભાર મૂક્યો?

પોતાના પ્રચાર દરમિયાન એસ. કીર્તનાએ શિવકાશીની પાયાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કહ્યું કે, એક હાઈ-રિસ્ક ઇન્ડસ્ટ્રિયલ હબ (જોખમી ઔદ્યોગિક કેન્દ્ર) હોવા છતાં આ વિસ્તારમાં માત્ર એક જ ફાયર સર્વિસ સ્ટેશન છે, જેના કારણે ઈમરજન્સીના સમયે ઘણી મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત તેમણે વિસ્તારની સુરક્ષા અને આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલી ખામીઓ તરફ પણ ધ્યાન દોર્યું. પોતાના ચૂંટણી વચનોમાં કીર્તનાએ વિસ્તારના લોકો માટે ફટાકડા ઉદ્યોગમાં સુરક્ષાના વધુ સારા ઉપાયો, વીમા કવચ, મહિલાઓ માટે સમાન વેતન, નિયમિત સ્વાસ્થ્ય તપાસ અને ઘાતક કેમિકલવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સારવારની વધુ સારી સુવિધાઓ આપવાની વાત કહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *