નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના વિધાનસભા મત વિસ્તાર મજુરામાં આયોજીત જનસેવા સાથે ઉપહાર વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં પોતાને મળેલા તમામ સન્માન અને ભેટ-સોગાદો પારદર્શક પદ્ધતિથી કાર્યકર્તાઓ અને જનતાને અર્પણ કર્યા હતા. સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને સત્તાના અહંકારથી દૂર રહેવા ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા છે.
કોર્પોરેટર પદનો ભાર મગજ પર રાખ્યા વિના નાગરિકો સાથે નમ્રતાપૂર્વક વર્તવું જોઇએ, કારણ કે પાંચ વર્ષના અંતે જનતા અને સંગઠન બંને કામગીરીનો હિસાબ માંગશે.
ભેટોનું વિતરણ કરવા માટે ‘ડ્રો સિસ્ટમ’ અપનાવી
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજના વડીલોને અગ્રિમતા આપી હતી. તેમને વિવિધ પ્રસંગોએ મળેલી ભેટોનું વિતરણ કરવા માટે ‘ડ્રો સિસ્ટમ’ અપનાવવામાં આવી હતી. ઉપસ્થિત વડીલોના હસ્તે ચિઠ્ઠીઓ ઉઠાવીને જે ટોકન નંબર નીકળ્યા, તે ભાગ્યશાળી કાર્યકર્તાઓને મંત્રીના હસ્તે સ્મૃતિ ચિન્હ અને ઉપહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
હર્ષ સંઘવીએ અત્યંત નમ્રતાપૂર્વક પોતાની વ્યસ્તતાના કારણે ક્યારેક કાર્યકર્તાઓને સમય ન આપી શકવા બદલ જાહેરમાં માફી માંગી હતી. તેમણે પ્રજા તરફથી મળેલા પ્રેમ અને ભેટને અમૂલ્ય ગણાવી આ તમામ વસ્તુઓ તમારી જ છે અને તમારા સુધી પહોંચાડવાનો આ નાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું.
હું કોર્પોરેટર બન્યો છું એવો ભાર મગજમાંથી ઉતારી નાંખજો
કાર્યક્રમને સંબોધતી વખતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતા જણાવ્યું હતું કે, હું કોર્પોરેટર બન્યો છું એવો ભાર મગજમાંથી ઉતારી નાંખજો. આ પદ થકી જનતાની સેવા કરવા એક અવસર મળ્યો છે. મારા જેવા અનેક લોકો પદ પર આવ્યા અને ગયા છે, પરંતુ જો જનતા સાથે ગેરવર્તન થશે તો તે નુકસાનકારક સાબિત થશે. સામાન્ય નાગરિક સમસ્યા લઇને તમારી પાસે આવે અથવા તો ફોન કરે ત્યારે તેમની સાથે તોછડાઇભર્યું વર્તન કરવું એ પાપ સમાન છે.
પાંચ વર્ષની કામગીરીનો હિસાબ માગવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે, પાયાના કાર્યકર્તાઓની મહેનત અને પરસેવો કોઇપણ પ્રતિનિધિની જીત પાછળ હોય છે. રાત-દિવસ એક કરીને કાર્યકર્તાઓ નેતાઓને જીતાડે છે, ત્યારે નેતાઓ ખરાબ વ્યવહાર કરશે તો કાર્યકર્તાઓએ કરેલી મહેનત વ્યર્થ જશે. ઝડપથી પાંચ વર્ષનો સમયગાળો પૂરો થઇ જશે. આ સમય પૂર્ણ થયા બાદ જનતા અને સંગઠન દ્વારા પાંચ વર્ષની કામગીરીનો હિસાબ માગવામાં આવશે. વ્યવહાર બગાડશો તો તે છૂપાયેલો નહીં રહે. યુવાનોને કહ્યું હતું કે, વડીલોનું માર્ગદર્શન જરૂરી છે, તેના વગર લપસી જવાની શક્યતા પૂરેપૂરી રહે છે.