
સરકારે વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે અને 30 મે સુધીમાં તમામ વિભાગો પાસેથી આવા કર્મચારીઓની વિગતો માંગી લીધી છે.
આ કામગીરીની સમીક્ષા માટે સરકારે ચોક્કસ સમયગાળો પણ નક્કી કર્યો છે. પરિપત્ર મુજબ, 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 ના સમયગાળા દરમિયાન જે કર્મચારીઓ 55 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહ્યા છે અથવા વટાવી ચૂક્યા છે, તેમના કામનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવશે. સંબંધિત વિભાગોએ પોતાના તાબા હેઠળ આવતા કર્મચારીઓની યાદી અને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.કર્મચારીને નોકરીમાં ચાલુ રાખવા કે ફરજમુક્ત કરવા તે નક્કી કરવા માટે માત્ર ઉંમર જ નહીં, પણ ઘણા બધા પાસાઓ ચકાસવામાં આવશે. જેમાં કર્મચારીનું આખું સર્વિસ રેકોર્ડ, તેમનો ACR (વાર્ષિક ગોપનીય અહેવાલ) અને જો ભૂતકાળમાં તેમની સામે શિસ્તભંગના કોઈ પગલાં લેવાયા હોય તો તે ખાસ ધ્યાનમાં લેવાશે. આ ઉપરાંત, ઉંમરના આ પડાવે કર્મચારીની હાલની શારીરિક અને માનસિક ક્ષમતા પણ તપાસવામાં આવશે. જો આ તમામ બાબતોમાં કોઈ કર્મચારી નબળો કે કામ ચોરવાવાળો જણાશે, તો તેને નોકરીમાંથી ફરજમુક્ત કરી દેવામાં આવશે.