દેશમાં જ્યારે સોનાની ખરીદી અને વપરાશની વાત આવે છે, ત્યારે દક્ષિણ ભારતનાં રાજ્યો સૌથી આગળ જોવા મળે છે. બીજી તરફ, જો દેશમાં સોનાના ઉત્પાદન અને જમીનમાં રહેલા ભંડારની વાત કરીએ તો બિહાર અને કર્ણાટક જેવા રાજ્યો મોખરે છે. આ સમાચારમાં આપણે વિગતે જાણીશું કે દેશમાં કયા રાજ્યોના લોકો સૌથી વધુ સોનું પહેરે છે, અને સૌથી વધુ સોનું ક્યાંથી નીકળે છે.
દેશમાં સોનાના વપરાશમાં દક્ષિણ ભારતનો સિંહફાળો છે. અહીંની સંસ્કૃતિમાં સોનાનું અનેરું મહત્વ છે અને મહિલાઓ મોટા પ્રમાણમાં સોનાના દાગીના પહેરવાનું પસંદ કરે છે. લગ્ન, તહેવારો કે કોઈ ખાસ પ્રસંગે સોનું ખરીદવું એ અહીંની પરંપરાનો એક અતૂટ ભાગ છે. ખાસ કરીને કેરળ રાજ્ય સોનાના વપરાશમાં મોટાભાગે પ્રથમ ક્રમે રહે છે. અહીં સોનાની ખરીદીને સામાજિક પ્રતિષ્ઠા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડીને જોવામાં આવે છે.
કેરળની સાથે સાથે તમિલનાડુ પણ આ રેસમાં પાછળ નથી. તમિલનાડુમાં પણ પરંપરાગત ઘરેણાંની ભારે માંગ રહે છે. આ ઉપરાંત, કર્ણાટક અને આંધ્રપ્રદેશના લોકો પણ હોંશે હોંશે સોનાની ખરીદી કરે છે. ટૂંકમાં, દક્ષિણ ભારતમાં શુભ પ્રસંગોએ સોનું ખરીદવું ખૂબ જ શુકનવંતુ માનવામાં આવે છે અને એટલે જ ત્યાં માંગ હંમેશા ઊંચી રહે છે.
હવે એ જાણી લઈએ કે આટલું બધું સોનું દેશમાં ક્યાંથી આવે છે. સોનાના ભંડારની બાબતમાં બિહાર રાજ્ય અત્યારે ચર્ચામાં છે. દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર બિહારના જમુઈમાં મળી આવ્યો છે. એવો અંદાજ છે કે દેશના કુલ સોનાના ભંડારના આશરે 44 ટકા જેટલો હિસ્સો તો માત્ર આ જમુઈમાં જ રહેલો છે.
જોકે, જમીનમાંથી સોનું બહાર કાઢવાની એટલે કે ઉત્પાદનની વાત કરીએ તો બાજી કર્ણાટક મારી જાય છે. ભારતમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે. દેશમાં જેટલું પણ સોનાનું ઉત્પાદન થાય છે, તેમાં એકલા કર્ણાટકનો હિસ્સો 80 ટકાથી પણ વધુ છે. આમ, સોનાનું ઉત્પાદન અને તેનો વપરાશ, બંને બાબતોમાં દક્ષિણ ભારતનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળે છે.
