ગુજરાત પોલીસની છબી સુધારવા અને માનવ અધિકારોના જતન માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા, ઉઠક-બેઠક કરાવવી તેમજ અપમાનજનક વ્યવહાર કરવા પર સખ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી પીટિશન સંદર્ભે કાર્ટે પોલીસની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં આરોપીઓને જાહેરમાં દોરડાથી બાંધીને કે તેમનું સરઘસ કાઢવું તે અમાનવીય હોવાનું જણાવી પોલીસ વડાની કચેરીને સ્પષ્ટ સૂચનાઓ આપવા હુકમ કર્યો હતો.
જે બાદ DGP દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, આરોપીએને ઘૂંટણીએ ચલાવવો, જાહેરમાં લાત મારવી કે લાકડીથી ફટકારવો, જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવી માફી મંગાવવી, આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવા પર રોક લગાવવામાં આવી છે.
આવી જ રીતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 ની કલમ-43 મુજબ હવે હાથકડીના ઉપયોગ માટે કડક નિયમો છે. જેમાં રીઢા ગુનેગારો, આતંકવાદી કૃત્ય, હત્યા, બળાત્કાર, ડ્રગ્સ કે સંગઠિત ગુનાખોરીમાં સંડોવાયેલા આરોપીઓ માટે જ હાથકડીનો ઉપયોગ કરી શકાશે. સામાન્ય ગુનાઓના કિસ્સામાં જો હાથકડી પહેરાવવી જરૂરી લાગે, તો સંબંધિત મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી અનિવાર્ય છે.
અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ
જો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી આરોપીના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા જણાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોના પાલન માટે જે તે વિસ્તારના DySp, SP કે કમિશનર કક્ષાના અધિકારીઓને સીધા જવાબદાર ગણવામાં આવશે. આ નવા આદેશનો હેતુ પોલીસની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને કાયદાકીય મર્યાદામાં રહીને તપાસ કરવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે.