શહેરીકરણ, સ્વતંત્ર રહેવાની માનસિકતા, અલગ ઓળખ ઉભી કરવાનું ઝનૂન જેવા કારણો જવાબદાર
અમદાવાદ, તા.15
ગુજરાતમાં પરિવારો નાના થઇ જ રહ્યા છે અને સ્વતંત્ર રહેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જ્યારે રાજ્યમાં અર્ધાથી વધુ પરિવારો નાના (ન્યુ ક્લીયર) થઇ ગયા હોવાનું સરકારી રીપોર્ટમાં જાહેર થયું છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે માત્ર સંતાનો સાથે રહેતા પરિવારોની સંખ્યા સરેરાશ 52.3 ટકા છે.
શહેરી વિસ્તારોમાં પ્રમાણે 56.2 ટકા ઉંચુ છે. ગ્રામ્ય ક્ષેત્રમાં 49.4 ટકા છે.
છેલ્લા એક દાયકામાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. 2011ની વસ્તી ગણતરીમાં રાજ્યમાં 47 ટકા પરિવારો ન્યુક્લીયર (નાના) હતા. પરિવારનું કદ 1961માં 5.27નું હતું તે 2011માં ઘટીને 4.86 થઇ ગયું હતું અને 2018-19માં વધુ ઘટીને 4.5 રહી ગયું. શહેરી વિસ્તારોમાં 4.3 અને ગ્રામ્યમાં 4.6 રહ્યું છે.
આજે વિશ્વ પરિવાર દિવસની ઉજવણી થઇ રહી છે. જ્યારે નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સામાજીક-આર્થિક બદલાવના ટ્રેન્ડ સુચવાય છે. સારી જીવનશૈલી માટે વધુને વધુ સંખ્યામાં લોકો ગામડા છોડીને શહેરો તરફ દોટ મુકી રહ્યા છે.
પરિણામે પરિવારો નાના થઇ રહ્યા છે. આ સિવાય દંપતિઓમાં એકલું સ્વતંત્ર રહેવાનું વલણ પણ કારણરૂપ છે. તેઓ માતા-પિતાથી અલગ-એકલા રહેવાની માનસિકતા ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) દ્વારા આ વર્ષની થીમ પરિવાર, અસમાનતા તથા બાળ કલ્યાણ રાખવામાં આવી છે.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં નાના પરિવારોની સંખ્યામાં થતી વૃધ્ધિની સરખામણીએ ગુજરાતમાં તે ટ્રેન્ડ ધીમો છે. સમગ્ર દેશમાં 58.2 ટકા પરિવારો નાના (ન્યુક્લીયર)ની શ્રેણીમાં છે તેની સામે ગુજરાતમાં 52.3 ટકા છે. શહેરી વિસ્તારોમાં નાના પરિવારોની રાજકીય ટકાવારી 61.3 ટકા છે તેની સામે ગુજરાતમાં 56.2 ટકા છે. આમ ગુજરાતમાં હજુ 47.7 ટકા નોન-ન્યુક્લીયર પરિવારો જે રાષ્ટ્રીય સંખ્યા 41.8 ટકા છે.
સામાજીક ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે શિક્ષણ, નોકરી-રોજગારીમાં મહિલાઓની ભાગીદારી તથા લગ્નોની માનસિકતા જેવા કારણો સમગ્ર સ્થિતિ માટે જવાબદાર છે. લગ્ન વખતે જ કન્યાના પરિવારજનો એવું પૂછતા અચકાતા નથી કે યુવક માતા-પિતાની સાથે રહેશે કે એકલો-સ્વતંત્ર રહેશે અને ઘણા કિસ્સામાં લગ્નસંબંધ નકકી કરવામાં આ નિર્ણાયક પરિબળ બનતું હોય છે.
આ ઉપરાંત ઘણા કિસ્સામાં સંતાનો પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે પણ પરિવારથી જુદા થતાં હોય છે. 1990ના દાયકાના આર્થિક સુધારા બાદ યુવાવર્ગની આવક વધતા તેઓ અલગ રહેવા માટે પ્રેરાવા લાગ્યા હતા.
નિષ્ણાંતોએ જો કે, એમ પણ કહ્યું કે સંયુક્ત પરિવારો સારા અને નાના પરિવારો સારા ન ગણાય તેવી માનસિકતા પણ છોડવી પડે. સંયુક્ત પરિવારમાં `મોભી’ નિર્ણય લેતા હોય છે અને ઘણી વખત અન્યોની વાત ધ્યાને લેવાતી નથી. ગુજરાતમાં સંયુક્ત પરિવારોનું વધુ પ્રમાણ `વ્યાપાર’ છે અનેક વ્યાપારી ગ્રુપ હજુ વારસાગત અને સંયુક્ત રીતે ધંધો કરે છે.