રાજસ્થાનની ચકચારી ઘટના: મહિલાની છાતી પર ચડી બદમાશો ચાંદીના કડા કાપીને લઈ ગયા

Spread the love
રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જ્યાં વૃદ્ધ મહિલાના પગમાં પહેરેલા ચાંદીના કડા ગ્રાઈંડર મશીનથી કાપીને લૂંટી લીધા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ડર ફેલાવી દીધો છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના ગુઢાકટલા વિસ્તાર નજીક થઈ, જ્યાં બદમાશોએ વૃદ્ધ મહિલા સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક લૂંટની ઘટનાને અંજામ આપ્યો.

જાણકારી અનુસાર, બુધવારે ગુઢાકટલામાં મનભરી યોગી નામની વૃદ્ધ મહિલા પોતાના ઘરની નજીક હતી. આ દરમ્યાન ત્રણ બદમાશો ત્યાં પહોંચ્યા અને પહેલા મહિલાને દબોચી લીધી. આરોપ છે કે એક આરોપીએ મહિલાના પગ દબાવ્યા, બીજાએ તેનું મોઢું દબાવી દીધું, જેથી દેકારો ન કરે. જ્યારે ત્રીજો શખ્સ મહિલાની છાતી પર બેસી ગયો. ત્યાર બાદ આરોપીઓએ ગ્રાઈંડર મશીનથી તેના પગમાં રહેલા ચાંદીના કડા કાપી નાખ્યા અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. આ દરમ્યાન મહિલા ચીસો પણ પાડી શકી નહીં અને આખી આ ઘટના થોડી મિનિટોમાં થઈ ગઈ.

 

આ ઘટના બાદ આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો અને સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો. આ મામલાની ગંભીરતા જોતા દૌસા પોલીસ એક્ટિવ થઈ ગઈ અને એસપી સાગર રાણાએ આરોપીઓની ધરપકડ માટે સ્પેશિયલ ટીમ બનાવી. એસપીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરો. પોલીસની જિલ્લા સ્પેશિયલ ટીમે ટેકનિકલ અને ગુપ્ત ઇનપુટના આધાર પર ત્રણ આરોપીઓને દબોચી લીધા.

 

ધરપકડ દરમ્યાન આમનો-સામનો પણ થયો

 

ધરપકડ દરમ્યાન ગુઢાકટલા નજીક પોલીસ અને બદમાશો વચ્ચે આમનો-સામનો પણ થયો. આ દરમ્યાન ભાગવાના પ્રયાસમાં બદમાશ પથ્થરમાં પડી ગયા, જેના કારણે બંને પગ તૂટી ગયા. ઘાયલ અવસ્થામાં ત્રણેય આરોપીઓને પહેલા ગુઢાકટલા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને બાંદીકુઈ હોસ્પિટલમાં રેફર કર્યા. હાલમાં એક ઘાયલની સારવાર ચાલી રહી છે.

પોલીસ ગેંગના નેટવર્કની કરી રહી છે તપાસ

 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ અગાઉ પણ આવી ઘટનાઓમાં સામેલ રહી ચૂકી છે. હવે સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે. દૌસા એસપી સાગર રાણાએ જણાવ્યું કે જિલ્લામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવા કેસોમાં કોઈપણ પરિસ્થિતિમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. પોલીસ હવે આરોપીઓના ગુનાહિત નેટવર્ક અને જૂના કેસોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

 

સવાઈ માધોપુરમાં પણ આવી જ ઘટના બની હતી

 

સવાઈ માધોપુર જિલ્લામાં પણ એપ્રિલ 2025માં આવી જ ઘટના બની હતી. બામનવાસ તાલુકા વિસ્તારમાં ચાંદીના કડા લૂંટવા માટે એક મહિલાની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. 50 વર્ષીય ઉર્મિલા મીણા સવારે પોતાના ઘરમાંથી ખેતરમાં લાકડા કાપવા ગઈ હતી, પણ બપોર સુધી પરત આવી નહોતી. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી તો ખેતરમાં તેનો મૃતદેહ મળ્યો. મૃતદેહની હાલત જોઈને પરિવારજનો અને ગ્રામજનો હકાબકા રહી ગયા. મહિલાનું ગળું કાપેલું હતું અને બંને પગ કપાયેલા હતા. તેના પગના નીચેના ભાગો ગુમ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *